વાનખેડેમાં સૂર્યકુમારે સપાટો બોલાવ્યો, દિલ્હીના બોલર્સની ઍનેલિસિસ બગાડી
મુંબઈના 180/5: છેલ્લી બે ઓવરમાં યજમાન ટીમે બનાવ્યા 48 રન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અહીં વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની નિર્ણાયક અને અત્યંત મહત્ત્વની મૅચમાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 180 રન કર્યા હતા અને દિલ્હીને 181 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.

સૂર્યા-નમનની 57 રનની ભાગીદારી
સૂર્યકુમાર યાદવ (73 અણનમ, 43 બૉલ, ચાર સિક્સર, સાત ફોર) આ ઇનિંગ્સનો સુપરસ્ટાર હતો. તેની અને નમન ધીર (24 અણનમ, 8 બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચે માત્ર 21 બૉલમાં 57 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
સફળ બોલર મુકેશની ઓવરમાં બન્યા 27 રન:
મુંબઈની ઇનિંગ્સમાં 19મી ઓવર દિલ્હીના સૌથી સફળ બોલર મુકેશકુમારે કરી હતી જેમાં 27 રન બન્યા હતા. એમાં સૂર્યકૂમાર યાદવે (SURYAKUMAR YADAV) એક સિક્સર ફટકારી હતી જ્યારે નમન ધીરે બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યાર પછી 20મી ઓવર શ્રીલંકાના દુશ્મન્થા ચમીરાએ કરી હતી જેમાં 21 રન બન્યા હતા. છેલ્લી બે ઓવરમાં સૂર્યકૂમાર અને નમન ધીરે મળીને કુલ 48 રન બનાવ્યા હતા.
મુંબઈનો ટૉપ ઑર્ડર ફ્લૉપ:
રોહિત શર્માએ પાંચ જ રનમાં વિકેટ ગુમાવી હતી. તેના પછી બ્રિટિશ સ્પિન ઓલરાઉન્ડર વિલ જેક્સ (21 રન, 13 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) મુકેશ કુમારના બૉલમાં કૅચઆઉટ થયો હતો.
થોડા જ દિવસ માટે ભારત પાછો આવેલો સાઉથ આફ્રિકાનો વિકેટકીપર બેટ્સમેન રાયન રિકલ્ટન બે સિક્સરની મદદથી 18 બૉલમાં બનાવેલા 25 રનના પોતાના સ્કોર પર આઉટ થયો ત્યારે મુંબઈનો સ્કોર માત્ર 58 રન હતો.
જોકે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા (27 રન, 27 બૉલ, એક સિક્સર, એક ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 49 બૉલમાં પંચાવન રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. તિલકની વિકેટ પણ મુકેશ કુમારે લીધી હતી.
હાર્દિકે ચાહકોને નિરાશ કર્યાં:
માત્ર ત્રણ રનમાં વિકેટ ગુમાવીને હજારો ચાહકોને નિરાશ કરનાર કેપ્ટન હાર્દિક પંડયાની વિકેટમાં પણ મુકેશ કુમારની ભૂમિકા હતી. શ્રીલંકન ફાસ્ટ બોલર દુશ્મન્થા ચમીરાના બૉલમાં બેકવર્ડ પોઇન્ટ પર મુકેશકુમારે હાર્દિકનો કૅચ ઝીલ્યો હતો.
દિલ્હીના બોલર્સમાં મુકેશકુમારે બે તેમ જ ચમીરા, કુલદીપ અને નિગમે એક-એક વિકેટ લીધી હતી. ચાર બોલરની બોલિંગમાં 25થી વધુ રન બન્યા હતા.
અક્ષરને બદલે ડુ પ્લેસી સુકાની:
એ પહેલાં દિલ્હીના કાર્યવાહક સુકાની ફાફ ડુ પ્લેસીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. મુખ્ય સુકાની અક્ષર પટેલને ફ્લૂ થયો હોવાથી તે નહોતો રમ્યો અને તેના સ્થાને ડુ પ્લેસી સુકાન સંભાળી રહ્યો છે.
મુંબઈએ કૉર્બિન બૉસ્ચના સ્થાને સ્પિનર મિચલ સૅન્ટનરને ઇલેવનમાં સમાવ્યો છે. મુંબઈના 14 પૉઇન્ટ અને દિલ્હીના 13 પૉઇન્ટ છે. મુંબઈ આ મૅચ જીતીને પ્લે-ઑફમાં પહોંચનારી ચોથી ટીમ બની શકે એમ છે. એવું થશે તો દિલ્હીની ટીમ સ્પર્ધાની બહાર થઈ જશે.
ગુજરાત, બેંગલૂરુ અને પંજાબની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે. ચેન્નઈ, હૈદરાબાદ, રાજસ્થાન, લખનઊ અને કોલકાતાની ટીમ સ્પર્ધામાંથી આઉટ થઈ ગઈ છે.