નેશનલ

રામ મંદિરનું નિર્માણ કાર્ય આ તારીખે પૂરું થશે, ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠાની જાણો વિગતો

નવી દિલ્હી: રામ મંદિરના ગર્ભગૃહથી લઈને તમામ મંડપોનું કામકાજ સંપન્ન થયું છે. રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની તારીખ પણ હવે જાહેર કરવામાં આવી છે. આ વખતે પણ કાર્યક્રમ ભવ્ય હોવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, પરંતુ મહેમાનોની યાદીમાં મર્યાદા આવી શકે છે, એમ મંદિર સમિતિએ જણાવ્યું હતું.

શ્રી રામ જન્મભૂમિ બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર અયોધ્યામાં પ્રતિષ્ઠિત રામ મંદિરનું નિર્માણ પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે અને ૩ જૂનથી શરૂ થનારા સમારોહમાં કેન્દ્ર કે રાજ્ય સરકારના કોઈ વીઆઈપી વગર ‘રામ દરબાર’ને અભિષેક કરવામાં આવશે.

આજે એક ઇન્ટરવ્યૂમાં મિશ્રાએ માહિતી આપી હતી કે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ (અભિષેક) સમારોહ, જે ભવ્ય હોવાની અપેક્ષા છે, તે પાંચમી જૂને યોજાશે. જોકે, આ વખતે મહેમાનોની યાદી અલગ હોવાની અપેક્ષા છે. મિશ્રાએ કહ્યું હતું કે મહેમાનોની યાદીમાં રાજ્યો કે કેન્દ્રના વીઆઇપી લોકોનો સમાવેશ થશે નહીં.

ટ્રસ્ટ આ અંગે નિર્ણય લઈ રહ્યું છે. અને કદાચ તેઓ તે સમારોહ સમયે વિવિધ માન્યતાઓના ઘણા આધ્યાત્મિક ગુરુઓને પણ આમંત્રણ આપશે. રામ લલ્લા (બાળ રામ)નો અભિષેક ગયા વર્ષે ૨૨ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સમારોહમાં યોજાયો હતો.

રામ દરબારની મૂર્તિઓની પ્રતિષ્ઠા ૫ જૂને થશે. ધાર્મિક વિધિઓ ૩ જૂનથી શરૂ થશે. આ ઉપરાંત સંકુલમાં સાત અન્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે મંદિરો માટે ધાર્મિક વિધિ પણ તે જ દિવસે કરવામાં આવશે. મંદિરનું નિર્માણ ૫ જૂન સુધીમાં પૂર્ણ થશે, સિવાય કે ભગવાન રામની કથા દર્શાવતા ભીંતચિત્રો જે મંદિરના નીચેના ભાગમાં નાખવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

પહેલા ૫ જૂને પ્રતિષ્ઠા સમારોહ ગયા વર્ષની જેમ ભવ્ય હશે. મંદિરના નિર્માણ પાછળ કોઈ રાજકીય ઉદ્દેશ્યો હોવાનો ઇનકાર કરતા તેમણે જણાવ્યું હતું કે “મને નથી લાગતું કે તેની પાછળ કોઈ રાજકીય ઉદ્દેશ્યો છે. તે આપણા સુપ્રીમ કોર્ટના આદેશ પર થયું છે અને ૫૦૦ વર્ષથી વધુ સંઘર્ષ પછી આ ક્ષણ આવી છે. પાંચમી જૂનના સમારોહના એક અઠવાડિયામાં મંદિરના નવા ભાગો જાહેર જનતા માટે ખોલવામાં આવશે.

આ પણ વાંચો…અયોધ્યા વધુ એક ઈતિહાસ રચવા માટે તૈયારઃ રામ મંદિરના પરિસરમાં ગંગા દશેરાએ થશે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button