IPL 2025

સ્ટેડિયમમાં અસંખ્ય ચાહકોના આગમન પહેલાં જ રોહિત વિકેટ ગુમાવી બેઠો!

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ: હિટમૅન રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ અને વાનખેડેમાં એક સ્ટેન્ડને તેનું નામ આપવામાં આવ્યું ત્યાર બાદ તે પહેલી જ વાર વાનખેડેમાં રમ્યો, પરંતુ તે દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામેની મહત્ત્વની મૅચની ત્રીજી જ ઓવરમાં આઉટ થઈ જતાં તેના અસંખ્ય ચાહકો નિરાશ થયા હતા. તેના અનેક ચાહકો હજી સ્ટેડિયમમાં આવ્યા પણ નહોતા.
એક તરફ તેણે એક ફોર માર્યા બાદ પાંચમા બૉલ પર ફક્ત પાંચ રનના પોતાના સ્કોર પર જ વિદાય લીધી ત્યાં બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)ના અનેક ફેન્સ હજી તો વાનખેડેમાં પ્રવેશી રહ્યા હતા. મુખ્ય ગેટ પર તેમ જ મરીન ડ્રાઇવ તરફના એન્ટ્રન્સ ખાતે લાંબી કતાર હોવાથી લગભગ 1,000 જેટલા ક્રિકેટપ્રેમીઓ તેની વિકેટ બાદ સ્ટેડિયમમાં આવ્યા હતા.

એમઆઈના 23 રનના સ્કોર પર રોહિત બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝૂર રહમાનના બૉલ પર વિકેટકીપર અભિષેક પોરેલના હાથમાં કૅચઆઉટ થયો હતો.

રોહિતના બૅટની એજ લાગી, પોરેલે જમણી દિશામાં આસાન કૅચ ઝીલી લીધો અને 30,000-પ્લસ ક્રાઉડમાં સન્નાટો છવાઈ ગયો હતો.

રોહિત પોતાના નામના સ્ટેન્ડ સામેની પહેલી જ મૅચમાં કઈ રીતે વિકેટ ગુમાવી બેઠો એની દ્વિધામાં પૅવિલિયનમાં પાછો આવ્યો હતો.

જોકે રોહિત માટે એક રીતે આ યાદગાર મૅચ હતી, કારણકે તે પહેલી જ વખત સ્વજનોની હાજરીમાં પોતાના નામવાળા સ્ટેન્ડની સામે રમ્યો હતો.

રોહિતે ગયા અઠવાડિયે સ્ટેન્ડની નામકરણ વિધિ વખતે જ કહ્યું હતું કે ‘ મારા નામના સ્ટેન્ડની સામે રમીને હું વિશેષ લાગણીનો અનુભવ કરીશ.’

રોહિત ઉપરાંત અજિત વાડેકર અને શરદ પવારનું નામ પણ એક-એક સ્ટેન્ડને અપાયું છે.

ઉલ્લેખનીય છે કે ઘણા ક્રિકેટ ચાહકો દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને જોવા આવ્યા હતા, પરંતુ તે ફલૂને કારણે આ મૅચમાં નહોતો રમ્યો.

આ પણ વાંચો…વાનખેડેમાં મારા જ નામના સ્ટૅન્ડ સામે રમીને હું જુદા જ આનંદનો અનુભવ કરીશઃ રોહિત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button