જી-20 સમિટમાં કરાયેલી જાહેરાતથી સ્તબ્ધ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યોઃ બાઇડેન
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને જી-20 સમિટમાં કરવામાં આવેલી એક મોટી જાહેરાતને હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થવાનું એક કારણ ગણાવ્યું છે. બાઇડેને કહ્યું કે તેઓ માને છે કે હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલો કરવા પાછળનું એક કારણ નવી દિલ્હીમાં તાજેતરના જી-20 સમિટ દરમિયાન મહત્વાકાંક્ષી ભારત મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરની જાહેરાત હતી.
આ કોરિડોર સમગ્ર પ્રદેશને રેલવે નેટવર્ક સાથે જોડશે. બાઇડેને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ સાથેની પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ બધું તેમનું વિશ્લેષણ છે, પરંતુ તેમની પાસે તેના માટે કોઈ પુરાવા નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજી વખત છે જ્યારે બાઇડેને હમાસ દ્વારા આતંકવાદી હુમલાના સંભવિત કારણ તરીકે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (આઇએમઇઇસી)નો ઉલ્લેખ કર્યો છે.
નવા આર્થિક કોરિડોરને ઘણા લોકો ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. જી-20 સમિટમાં અમેરિકા, ભારત, સાઉદી અરેબિયા, યુએઇ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુરોપિયન યુનિયનના નેતાઓ દ્વારા આ કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી.