દ્વારકાના ગોમતી ઘાટમાં મોટી દુર્ઘટનાઃ ત્રણ પ્રવાસી ડૂબ્યા

દ્વારકા: પવિત્ર યાત્રાધામ દ્વારકાના ગોમતીઘાટે આજે બપોરે સ્નાન કરવા ગયેલા ત્રણ પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ઘટના બની છે. આ ઘટનામાં એક યુવકને બચાવી લેવાયો છે, જ્યારે અન્ય બે લોકોની શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
મળતી વિગતો અનુસાર પાટણથી દ્વારકા મંદિરે દર્શનાર્થે આવેલા ત્રણ યાત્રાળુઓ બપોરે ગોમતી નદીના ઘાટે સ્નાન કરી રહ્યા હતા ત્યારે અચાનક ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આપણ વાંચો: માંડવી બીચ પર રીલ બનાવવા ગયેલા બે યુવકો ડૂબ્યાં; સ્થાનિકોએ જીવના જોખમે બચાવ્યા
એક યુવકનો બચાવ
આ દરમિયાન, એક યુવકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો હતો. જોકે, અન્ય બે વ્યક્તિ, જે મામા-ભાણેજ હોવાનું જાણવા મળ્યું છે, તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમની ઓળખ શૈલેષભાઈ ગોસ્વામી (ઉ. વ.27) અને ધ્રુમિલ ગોસ્વામી (ઉ. વ.16) તરીકે થઈ છે. બંને લોકો પાટણના હોવાની વિગતો મળી રહી છે.
આપણ વાંચો: પોઇચામાં નર્મદા નદી(Narmada)માં ન્હાવા પડેલા સુરતના સાત પ્રવાસી ડૂબ્યાં
દરિયામાં ભરતી હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી
જે યુવકનો બચાવ કરવામાં આવ્યો છે, તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હાલમાં, દરિયામાં ભરતી હોવાને કારણે નદીમાં પણ પાણીનું સ્તર ઊંચું હોવાથી બચાવ કામગીરીમાં પણ થોડી મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં, સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમ ગુમ થયેલા બંને વ્યક્તિઓની શોધખોળ માટે સઘન પ્રયાસો કરી રહી છે.