
મુંબઈ: દારૂ ઢીંચીને મોજ ખાતર બાઈક પર ફરવા નીકળેલા આરોપીઓએ બેરહેમીથી મારપીટ અને લોખંડનો સળિયો ફટકારી યુવાનની હત્યા કરી હોવાની ઘટના પાલઘર જિલ્લામાં બનતાં પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી અને તેમના સગીર સાથીને તાબામાં લીધો હતો.
તારાપુર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ભૂષણ સુરેશ ધોડી (19), કેતન રમેશ શિણવાર (20), રોહિત સંજય કવળે (19), દિબેશ સંતોષ સુતાર (18), વિશાલ નંદુ સોમણ (23) અને સાહિલ રાજેન્દ્ર પવાર (18) તરીકે થઈ હતી. કોર્ટે તેમને 23 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આ કેસમાં પોલીસે તાબામાં લીધેલા 16 વર્ષના સગીરને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યો હતો.
પોલીસ તપાસમાં જણાયું હતું કે ઘટના 15 મેની મધરાતે તારાપુરના પાસ્થળ ગામ નજીકના આંબટગોડ મેદાનમાં બની હતી. સગીરના ઘરમાં દારૂની પાર્ટી કરીને આરોપીઓ મોજ ખાતર બાઈક પર ફરવા નીકળ્યા હતા. આરોપીઓની નજર મેદાનમાં સૂતેલા અભિષેક સિંહ (36) પર પડી હતી.
મેદાનમાં શા માટે સૂતો છે, એમ પૂછીને આરોપીઓએ ગાળાગાળી કરી સિંહની મારપીટ કરી હતી. આરોપીઓની ચુંગાલમાંથી છટકીને સિંહ ભાગવા લાગ્યો હતો. આરોપીઓએ પીછો કરી તેને પકડી પાડ્યો હતો અને ફરી મારપીટ કરી હતી. દરમિયાન લોખંડનો સળિયો માથા પર ફટકારવામાં આવતાં સિંહ બેભાન થઈ જમીન પર ફસડાઈ પડ્યો હતો.
સિંહ મૃત્યુ પામ્યો હોવાનું જોઈ આરોપીઓ ઘટનાસ્થળે ફરાર થઈ ગયા હતા.
પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓની શોધ હાથ ધરી હતી. આરોપીઓની શોધ માટે પોલીસની અલગ અલગ ટીમ ગુજરાતના સુરત સહિત વિરાર, બિહારમાં પણ મોકલવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો…મુંબઈ લોકલમાં સીટ મુદ્દે થયેલાં ઝઘડામાં પુરુષ પ્રવાસીએ કરી મહિલા સાથે મારપીટ, વીડિયો થયો વાઈરલ…