મહારાષ્ટ્ર

155 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં નવો ફણગો

કૌભાંડ સરળતાથી ચલાવવા સૂત્રધારે સીએ અને કોમર્સ ગ્રજ્યુએટ્સની ટીમ રાખી હતી

નાગપુર: શેલ કંપનીઓનું જાળું ફેલાવીને તેના માધ્યમથી કાળાં નાણાં અને હવાલાના વ્યવહારો કરી અંદાજે 155 કરોડ રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. આ કૌભાંડ સરળતાથી ચાલે તે માટે મુખ્ય આરોપીએ સીએ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સની આખી ટીમ તૈયાર કરી રાખી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી સંતોષ ઉર્ફે બંટી રામપાલ શાહુના સ્મોલ ફૅક્ટરી વિસ્તારમાં આવેલી ‘કમર્શિયલ’ યુનિટ-કમ-ઑફિસમાં પોલીસે મંગળવારે રેઇડ કરી હતી. આ કેસમાં પોલીસે બંટી શાહુ (52) સહિત જયેશ શાહુ (36), બ્રિજકિશોર મણિયાર (59), રિશી લાખાણી (21) અને આનંદ હરડે (33)ની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: 155 કરોડ રૂપિયાની ઠગાઈનોપર્દાફાશ: ચાર જણની ધરપકડ

આ કેસમાં પોલીસે બૅન્ક પાસબુક્સ, ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ અને બોગસ કંપનીના પેપર્સ મળી મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા, જેને આધારે આ કૌભાંડનો વ્યાપક ફેલાવો હોવાનું જણાય છે. શાહુ અને તેના પરિવારજનોનાં આઠ બૅન્ક ખાતાં ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં અને ફોરેન્સિક ઓડિટ પણ કરાવાઈ રહ્યું છે, એમ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં એવું જણાયું હતું કે શાહુએ ઠગાઈની આ પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સની 15 સભ્યની ટીમ બનાવીને વિસ્તૃત નેટવર્ક ઊભું કર્યું હતું.

આ પણ વાંચો: શેર બજારમાં ટ્રેડિંગના નામે આદિપુરના વ્યક્તિ સાથે ૩૯.૯૦ લાખની ઓનલાઇન ઠગાઈ

બે કંપનીઓની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અનુક્રમે 113 અને 57 બોગસ કંપનીઓ માટે કાગળ પર ખોટા વ્યવહારોની પ્રક્રિયા કરી હોવાનું જણાયું હતું. આ કંપનીઓ મારફત ભેગાં કરવામાં આવતાં નાણાં પછી હવાલા ચૅનલમાં જતા હતા, જે દર્શાવે છે કે કૌભાંડની વ્યાપ્તિ ધાર્યા કરતાં ઘણી મોટી છે.

અત્યાર સુધીમાં બે જણ પોલીસ ફરિયાદ નોંધાવવા આગળ આવ્યા હતા. ફરિયાદીઓની સાચી ઓળખનો દુરુપયોગ કરી આરોપીઓએ આર્થિક ફ્રોડ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આરોપીઓએ 160 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાનું અત્યાર સુધીની તપાસમાં જણાયું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button