નેશનલ

EDએ રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખના નિવાસસ્થાને દરોડા પાડ્યા, પેપર લીક કોભાંડ અંગે તપાસ

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે એ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ કોંગ્રેસ નેતાઓ પર કથિત પેપર લીક કોભાંડ અંગે તપાસ તેજ કરી છે. અહેવાલો મુજબ EDએ રાજસ્થાનના પૂર્વ શિક્ષણ પ્રધાન અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા સાથે જોડાયેલા કેટલાક સ્થળો પર દરોડા પડ્યા છે. કોંગ્રેસના વિધાનસભ્ય ઓમપ્રકાશ હુડલા સાથે જોડાયેલા સ્થળો પર પણ દરોડા પડવાની પણ માહિતી મળી છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં કુલ 7 સ્થળો પર તપાસ ચાલી રહી છે. અગાઉ ED એ રાજસ્થાન પેપર લીક કેસમાં ભૂપેન્દ્ર સરનની મની લોન્ડરિંગના આરોપસર ધરપકડ કરી હતી. રાજસ્થાન પોલીસની એફઆઈઆરના આધારે ઈડીએ ભૂપેન્દ્ર સરન અને અન્યો સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. EDની તપાસમાં બહાર આવ્યું છે કે ભૂપેન્દ્ર સરને અન્ય આરોપીઓ સાથે મળીને વરિષ્ઠ શિક્ષક ગ્રેડ II સ્પર્ધાત્મક પરીક્ષા, 2022નું જનરલ નોલેજ પેપર લીક કર્યું હતું.

સુત્રોના જણાવ્યા મુજબ આ પરીક્ષા 21, 22 અને 24 નવેમ્બર 2022 ના રોજ રાજસ્થાનમાં RPSC દ્વારા લેવામાં આવી હતી. ભૂપેન્દ્ર સરને સુરેશ ઢાકા અને અન્ય આરોપીઓને 8-10 લાખ રૂપિયા આપ્યા હતા. અગાઉ 5 જૂન, 2023ના રોજ EDએ આરોપીઓના 15 જગ્યાઓની તપાસ કરી હતી. આ સમયગાળા દરમિયાન દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. EDએ અગાઉ બે આરોપી બાબુલાલ કટારા અને અનિલ કુમાર મીણા ઉર્ફે શેરસિંહ મીણાની પણ ધરપકડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

Back to top button