કોરોનાનો ફરી કહેર: બ્રિટનમાં મૃત્યુઆંક બમણો, JN.1 વેરિઅન્ટ વૈશ્વિક ચિંતા જગાવી…

લંડનઃ કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-19ના કેસ વઘી રહ્યા છે. કેટલાક દેશોમાં કોરોનાના વધી રહેલા કેસથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ વખતે કોરોનાની ઘાતક અસર બ્રિટનમાં જોવા મળી રહી છે. અહીં કોવિડ-19થી મૃતકોની સંખ્યા એક સપ્તાહમાં જ લગભગ બમણી થઈ ગઈ છે.
બ્રિટન સરકારના તાજા આંકડા પ્રમાણે, એક સપ્તાહમાં 101 લોકોના કોવિડ-19થી મોત થયા હતા. ડેથ સર્ટિફિકેટમાં પણ આ વાત લખવામાં આવી હતી. જે ગત સપ્તાહ કરતાં 65 ટકા વધારે હતી. આ પહેલા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 111 લોકોના મોત થયા હતા. અચાનક કોરોના કેસ અને મૃત્યુમાં થઈ રહેલા વધારાથી લોકોની ચિંતા વધી ગઈ છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર, ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ જેએન.1 આ પાછળ જવાબદાર છે. આ વેરિઅન્ટ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે અને મુખ્ય સ્ટ્રેન બની ગયો છે. આ કારણે વિશ્વના અનેક દેશોમાં સંક્રમણ અને હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્યા વધી છે.
માત્ર બ્રિટન જ નહીં એશિયાના અનેક દેશોમાં પણ કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. સિંગાપુરમાં કોરોનાના કેસ 11,100થી વધીને 14,200 પર પહોંચી ગયા છે. હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સરેરાશ સંખ્યા પણ 102થી વધીને 133 પર પહોંચી છે. થાઈલેન્ડમાં કોરોના કેસ 33,000ને પાર થઈ ગયા છે. સરકારે નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે.
હાલ કોરોનાના વધી રહેલા કેસને લઈ ગભરાવાની જરૂર નથી પરંતુ વાયરસના નવા રૂપ અને ઝડપથી વધતા કેસને લઈ સતર્ક રહેવાની જરૂર છે. હેલ્થ એજન્સીઓ સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂર હોય તો માસ્ક, હાથ ધોવા અને ભીડથી બચવા જેવી સાવધાની રાખવા જણાવી રહી છે.