
સુરતઃ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ વરસાદી માહોલ છવાયો હતો. સુરત અને સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે અષાઢી માહોલ છવાયો હતો. વરસાદના કારણે રોડ રસ્તા પાણી પાણી થયા હતા. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતા છે.
સુરતમાં પડેલા વરસાદથી પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વરસાદના કારણે શહેરના મોરાભાગળ, ડભોલી સહિતના અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકોને નોકરી ધંધે જનારા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી રીતે આજે અનેક વિસ્તારમા પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
અમરેલીના સાવરકુંડલા તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલા શહેરના રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા જ સિન જોવા મળ્યા હતા. વરસાદના કારણે તલ, બાજરી, ડુંગળી સહિતના પાકને નુકસાન થયું હતું.
ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગઈકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. સાથે જ 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું. આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ અને ભારે પવનને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે નૈઋત્યનું ચોમાસું તેનાં નિર્ધારિત સમય કરતા 3-4 દિવસ વહેલું કેરળમાં દસ્તક દેશે તેવાં એંધાણ છે. હવામાન ખાતાની આગાહી મુજબ કેરળમાં 27મી મેના રોજ ચોમાસુ શરૂ થઈ જશે. જો તે વહેલું કેરળમાં પહોંચશે તો વર્ષ 2009 પછી તે સૌથી વહેલું દસ્તક દેશે તેમ મનાય છે. વર્ષ 2009માં 23મી મેનાં રોજ કેરળમાં ચોમાસુ બેસી ગયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 4 થી 5 દિવસમાં ચોમાસુ શરૂ થાય તેવી સિસ્ટમ બની રહી છે. સામાન્ય રીતે ચોમાસુ 8 જુલાઈ સુધીમાં આખા દેશમાં પહોંચી જતું હોય છે.
આપણ વાંચો : IMD ની આગાહી પ્રમાણે ગુજરાતના 5 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ…