14 વર્ષના સૂર્યવંશીએ 43 વર્ષના ધોનીને પગે લાગીને આશીર્વાદ લીધા…
માહીએ સ્ટાર સ્કૂલ-બૉયને સલાહ આપી કે...

નવી દિલ્હી: મંગળવારે અહીં રાજસ્થાન રોયલ્સે (RR) ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની ટીમને 6 વિકેટે પરાજિત કરી ત્યાર બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા ત્યારે 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી 43 વર્ષના મહાન ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગ્યો હતો. માહીએ તેને આશીર્વાદના રૂપમાં એક અમૂલ્ય સલાહ આપી હતી.
ચેન્નઈ અને રાજસ્થાન, બંને ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ ચૂકી છે. મંગળવારે ચેન્નઈએ 8 વિકેટે 187 રન કર્યા ત્યાર બાદ રાજસ્થાને 17.1 ઓવરમાં ચાર વિકેટના ભોગે 188 રન બનાવીને વિજય મેળવ્યો હતો. 188 રનમાં સૂર્યવંશીના 57 રન હાઈએસ્ટ થતા, જ્યારે કેપ્ટન સૅમસને 41 રન, યશસ્વી જયસ્વાલે 36 રન તેમ જ ધ્રુવ જુરેલે અણનમ 31 રન કર્યા હતા. 29 રનમાં ચેન્નઈની ત્રણ વિકેટ લેનાર રાજસ્થાનના પેસ બોલર આકાશ મઢવાલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. રાજસ્થાનના જ બીજા પેસ બોલર યુધવીર સિંહે 47 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
14 વર્ષનો વૈભવ સૂર્યવંશી બિહારનો છે અને આઠમા ધોરણમાં ભણે છે. તે આઈપીએલ (IPL)ના ઇતિહાસનો સૌથી યુવાન ખેલાડી છે. રાજસ્થાને તેને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે આઈપીએલના ભારતીય ખેલાડીઓમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરિયનનો રેકોર્ડ થોડા દિવસ પહેલાં નોંધાવ્યો હતો.
મંગળવારની મૅચમાં બાદ બધા ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા ત્યારે ભારતનો મહાન ખેલાડી ધોની નજીક આવતાં જ સૂર્યવંશી તેને પગે લાગ્યો હતો અને તેની સાથે હાથ મિલાવ્યા હતા. પછીથી ધોનીએ સૂર્યવંશી માટે એવી સલાહ આપી હતી કે ‘ જ્યારે પણ તારા પર અપેક્ષાનો બોજ હોય ત્યારે જરા પણ પ્રેશરમાં નહીં આવી જવાનું. તારી નૅચરલ ગેમ રમવાનો અભિગમ જાળવી રાખવાનો તેમ જ સિનિયર ખેલાડીઓ પાસેથી સલાહ લેવાની અને કોચિંગ સ્ટાફ સાથેનો પણ સંપર્ક જાળવી રાખવાનો. આવી સલાહ હું સારું રમી રહેલા તમામ યુવા ખેલાડીઓને આપતો હોઉં છું.’
આપણ વાંચો : 14 વર્ષના સૂર્યવંશીએ 14મી મૅચને ચાર ચાંદ લગાવ્યા