પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી હુમલો; આતંકવાદીઓએ સ્કૂલ બસને નિશાન બનાવી, 4 બાળકોના મોત

બલુચિસ્તાન પ્રાંતઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક મોટો આતંકવાદી હુમલો (Pakistan terrorist attack) થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ એક સ્કૂલ બસ (Balochistan school bus)ને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે બસમાં સવાર 4 બાળકોનું મોત થયું છે, જ્યારે 38 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક કારમાં આવેલા આત્મઘાતી હુમલાખોરે બસને ટક્કર મારી હતી. આ ઘટનાને લઈને બલુચિસ્તાનમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આત્મઘાટી હુમલામાં 38 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઝીરો પોઈન્ટ નજીક આ હુમલો થયો છે. આત્મઘાતી હુમલામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ક્વેટા અને કરાચીની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવીએ આ હુમલાની ભારે નિંદા કરી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પાકિસ્તાનના ગૃહપ્રધાને કહ્યું કે, આ હુમલામાં બાળકોને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે, જેથી તેમને છોડવામાં નહીં આવે. મૂળ વાત એ છે કે, આતંકવાદીઓ પાકિસ્તાનમાં પણ હુમલો કરવા લાગ્યાં છે.
આપણ વાંચો: અમેરિકાને પણ હવે સુરક્ષાની ચિંતા, ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવવાની જાહેરાત, જાણો વિશેષતા
પાકિસ્તાનને બલુચિસ્તાનની લિબરેશન આર્મી પર છે શંકા
આ આત્મઘાતી હુમલાની હજી સુધી કોઈ સંગઠન દ્વારા જવાબદારી લેવામાં નથી આવી. જો કે, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓને બલુચિસ્તાનની લિબરેશન આર્મી પર શંકા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, બલોચ આર્મીએ અનેક વખત પાકિસ્તાનની આર્મીને ટાર્ગેટ કરીને હુલમો કર્યો છે. પરંતુ આ વખતે બાળકોને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો હોવાથી ઘટના વધારે ગંભીર બની ગઈ છે.
સિંધ પ્રાંતને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ વધારે તીવ્ર બની
નોંધનીય છે કે, બલોચ વિદ્રોહીઓ સતત પાકિસ્તાનની સેના અને પોલીસને નિશાન બનાવી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનની સેના પણ સતત બલોચ વિદ્રોહીઓ સામે કાર્યવાહી કરી રહી છે. આ ઉપરાંત હવે સિંધ પ્રાંતને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ પણ થઈ રહી છે. સિંધમાં ઘણા આંદોલનકારીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બલોચ લોકો દ્વારા એવું પણ જાહેર કરવામાં આવ્યું છે તે, હવે પાકિસ્તાનનો ભાગ નથી. પોતાના અલગ દેશ બલુચિસ્તાનની જાહેરાત પણ કરી દીધી છે. જો કે, તેને સત્તાવાર રીતે માન્યતા મળી નથી.