સુરત

સુરતઃ 19 વર્ષીય મૉડલના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો…

સુરતઃ શહેરમાં 2 મે ના રોજ એક મૉડલે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુરતના સારોલી કુંભારિયા ગામમાં આવેલી સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. સુખપ્રીતે ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની બહેનપણી ઘરે આવી ત્યારે તેણે સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા આસપાસના લોકોને જાણ કરી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૉડલે કયા કારણોસર આપઘાત કર્યો તેની પોલીસ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી.

મૃતક સુખપ્રીત કૌર પ્રેમી મહેન્દ્ર રાજપૂત સાથે લિવ-ઈનમાં રહેતી હતી. મહેન્દ્ર રાજપૂત તેને માનસિક-શારીરિક ત્રાસ આપતો હોવાનું સામે આવતાં મૉડેલના પિતા દ્વારા મહેન્દ્ર રાજપૂત વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. મૉડેલે લખેલી એક અરજી પણ સામે આવી હતી, જેમાં લિવ-ઇનમાં રહેતો પ્રેમી જ તેને ઘરમાં ગોંધી રાખી હાથ-પગમાં બ્લેડના કાપા મારતો હતો. આ સાથે પગમાં ડામ પણ આપતો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેને સતત બ્લેકમેલ કરતો હોવાનું પણ જણાવ્યું હતું.

સુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું કે, હું સુખપ્રીત સંધુ, હું સુરતમાં મુખ્ય મૉડેલિંગ એજન્સીમાં મૉડેલ તરીકે કામ કરતી હતી, ત્યાં મારી મુલાકાત એક છોકરા મહેન્દ્ર રાજપૂત સાથે થઈ હતી. અમે સારાં મિત્રો બની ગયાં અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં. લગભગ એક મહિના પછી તેણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું, હું તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છોડી દીધો, પરંતુ તે મને સતત બ્લેકમેલ કરતો હતો કે મારા અંગત ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કરીશ, જાનથી મારી નાખીશ તથા અપશબ્દો બોલીને મને બ્લેકમેઇલ કરતો હતો. તેણે મને તેના ફ્લેટમાં બોલાવી અને મને એક દિવસ સુધી ગોંધી રાખી હતી. તેમજ મારા હાથ, પગમાં બ્લેડના ઘા માર્યા અને મારપીટ કરી હતી. મારા પગમાં ડામ આપ્યા હતા. હું ત્યાંથી ભાગીને મારા ઘરે આવી હતી. આ બધા પછી તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો મેં આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ અને તારા અંગત ફોટો ઈન્ટરનેટ પર અપલોડ કરી દેશે. તેણે મને આત્મહત્યા કરવા માટે પણ ઉશ્કેરી હતી.

પોલીસે મહેન્દ્ર રાજપૂત નામના યુવક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

આપણ વાંચો : મધ્ય પ્રદેશથી 4 દિવસ પહેલાં સુરત આવેલી મૉડલે આપઘાત કર્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button