
અમદાવાદઃ ગુજરાતમાં નાણાકીય વર્ષ 2024-25માં એનઆરઆઈ (બિન નિવાસી ભારતીયો) ડિપોઝિટમાં 18 ટકાનો વધારો થયો હતો. રૂપિયા સામે યુએસ ડોલરની મજબૂતીથી એનઆરઆઈએ મોટી સંખ્યામાં ડિપોઝિટ કરાવી હતી. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં એનઆઈઆર ડિપોઝિટ 36 ટકા વધીને 1.09 લાખ કરોડ પર પહોંચી છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના રિપોર્ટ પ્રમાણે, માર્ચ 2025ની સ્થિતિએ રાજ્યમાં કુલ એનઆરઆઈ ડિપોઝિટ 1.09 લાખ કરોડ છે, જે માર્ચ 2024માં 92 હજાર કરોડ હતી.
આ વધારાનું કારણ યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાનું મજબૂત થવું હતું, જેના કારણે એનઆરઆઈ ડિપોઝિટમાં વધારો થયો હતો. જે ભારતીયો વિદેશથી પૈસા મોકલીને વધુ વળતર મેળવવા માંગતા હતા તેમની આ સમયગાળા દરમિયાન સંખ્યા નોંધપાત્ર વધી હતી. અગાઉના નાણાકીય વર્ષમાં માર્ચ 2023માં માત્ર 0.45 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો હતો, ત્યારે થાપણનો આંકડો રૂ. 91 હજાર કરોડ હતો જે માર્ચ 2021ના રૂ. 80 હજાર કરોડના આંકડા કરતાં 14 ટકા વધુ હતો.
એનઆઈઆર ડિપોઝિટના 71 ટકા આ 5 જિલ્લામાં
ગુજરાતના 5 જિલ્લામાં જ કુલ એનઆરઆઈ ડિપોઝિટના 71 ટકા એટલે કે 77,775 કરોડ રૂપિયા જમા થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 25 હજાર કરોડથી વધુ રૂપિયા જમા થયા હતા. ટોચના જિલ્લામાં વડોદરા, કચ્છ, રાજકોટ અને આણંદનો પણ સમાવેશ થયો હતો. વડોદરામાં 18,000 કરોડ, કચ્છમાં 16,979 કરોડ, આણંદમાં 9165 કરોડ, રાજકોટમાં 8414 કરોડ જમા થયા હતા. આ ઉપરાંત સુરતમાં 8216 કરોડ, નવસારીમાં 6433 કરોડ રૂપિયા એનઆરઆઈના જમા છે. પોરબંદર, જામનગર, ગાંધીનગર, વલસાડ અને ભરૂચમાં 1200 કરોડથી લઈ 3000 કરોડ રૂપિયા એનઆરઆઈ ડિપોઝિટ છે. ગુજરાતની બેંકોમાં કુલ ડિપોઝિટ 13.26 લાખ કરોડ રૂપિયા છે, તેમાંથી એનઆરઆઈ ડિપોઝિટનો હિસ્સો 8.22 ટકા છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતીઓની કુલ બેંક ડિપોઝિટ 6.76 ટકા વધી છે અને કુલ લોનમાંથી એનપીએનો હિસ્સો 741 કરોડ ઘટ્યો છે.
આ દેશોમાંથી સૌથી વધુ રૂપિયા મોકલે છે એનઆરઆઈ
અમેરિકા, કેનેડા, યુકે અને ખાડી દેશોમાં વસતા ગુજરાતી મૂળના એનઆરઆઈ દ્વારા મોકલવામાં આવતી રકમમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે એનઆરઆઈ થાપણોમાં વૃદ્ધિ જોવા મળી છે. વતન સાથેના મજબૂત જોડાણને કારણે, ગુજરાતીઓ ઘણીવાર તેમની કમાણી ફિક્સ્ડ ડિપોઝિટ અને અન્ય સુરક્ષિત બેંકિંગ સાધનોમાં પોતાના દેશમાં રોકે છે, જેના કારણે પણ એનઆરઆઈ ડિપોઝિટમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત એનઆરઆઈમાં આવેલી જાગૃતિના કારણે પણ ડિપોઝિટમાં વધારો થયો છે.