સિલ્ક સાડીમાં પહેલીવાર હાજરી આપવા ગયેલાં આ 80 વર્ષીય અભિનેત્રીને શા માટે મળ્યું સ્ડેન્ડિંગ ઓવેશન…

ફ્રાન્સમાં ચાલી રહેલો 78મો કાન ફિલ્મ ફેસ્ટિવલ Cannes Film Festival 2025 સમગ્ર દેશના ફિલ્મરસિયાઓ માટે આકર્ષણ અને ચર્ચાનો વિષય છે. દુનિયાના ઘણા દેશોમાંથી ફિલ્મજગતના લોકો અહીં આવે છે. પોતાની ફિલ્મો પ્રમોટ કરે છે. આ સાથે અહીં વિવિધ ફિલ્મોના સ્ક્રિનીંગ થાય છે અને વિવિધ ભાષાઓની ફિલ્મ જોવાનો માકો મળે છે.
સામાન્ય લોકો માટે ફેસ્ટિવલમાં આવેલી અભિનેત્રીઓના ચિત્ર-વિચિત્ર ગાઉન આઉટફીટ્સ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ભારતની ઘણી અભિનેત્રીઓ અહીં આવી રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેરે છે અને પાપરાઝીઓ તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. પણ આજે અહીં એક ભારતીય અભિનેત્રીએ સાદી સાડીમાં લોકોનું ધ્યાન ખેંચ્યું અને વાહવાહી પણ મળવી. આ અભિનેત્રીનું નામ છે શર્મિલા ટાગોર.

જીહા, વિતેલા જમાનાની આ જાજરમાન અભિનેત્રી પોતાની 66 વર્ષીય ફિલ્મ કારકિર્દીમાં પહેલીવાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ છે. તેમની સાથે તેમનાં જેટલી જ સુંદર 77 વર્ષીય અભિનેત્રી સિમી ગરેવાલ અને શર્મિલા ટાગોરની પુત્રી શબા ટાગોર પણ જોવા મળી હતી. આ બન્ને અહીં એક ખાસ સ્ક્રિનિંગમાં ભાગ લેવા આવ્યાં હતા. અહીં પ્રસિદ્ધ દિગ્દર્શક સત્યજીત રેની ક્લાસિક ફિલ્મ અરન્યેર દિન રાત્રીના (Aranyer Din Ratri) રિસ્ટોર્ડ વર્ઝનના પ્રીમિયરમાં ભાગ લેવા આ બન્ને અભિનેત્રી અહીં આવ્યાં છે. આ ફિલ્મના સ્ક્રીનિંગને દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને વધાવ્યું હતું.
અરણ્યેર દિન રાત્રી આ બંગાળી ફિલ્મ ૧૯૭૦ માં રિલીઝ થઈ હતી અને તેનું દિગ્દર્શન સત્યજીત રેએ કર્યું હતું. આ ફિલ્મ લેખક સુનીલ ગંગોપાધ્યાયની નવલકથા પર આધારિત છે, જેને અંગ્રેજીમાં ડેઝ એન્ડ નાઇટ્સ ઇન ધ ફોરેસ્ટ નામે અનુવાદ પણ થયો છે. આ બંગાળી ફિલ્મમાં શર્મિલા ટાગોરે અપર્ણા અને સિમી ગરેવાલે દુલીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ફેસ્ટિવલના ક્લાસિક્સ સેક્શનમાં દર્શાવવામાં આવી હતી.
શર્મિલા ટાગોરે ૧૯૫૯માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને ૬૬ વર્ષ પછી, તેમણે કાનમાં પહેલીવાર હાજરી આપી હતી. શર્મિલા ટાગોર લીલા રંગની સિલ્ક સાડીમાં ખૂબ જ જાજરમાન દેખાતા હતા જ્યારે સિમીએ હંમેશાંની જેમ વ્હાઈટ કલર પસંદ કર્યો હતો. અહીં રેડ કાર્પેટ પર લોકોનું ધ્યાન ખેંચવા હિરોઈનો શું શું પહેરીને આવતી હોય છે ત્યારે આ બન્ને અભિનેત્રીની સાદગીએ સૌનું દિલ જીતી લીધું હતું.
આપણ વાંચો : શર્મિલા ટાગોરે કલાકારોની વધતી ફી અને વૈભવી ખર્ચા અંગે કરી વાત, જાણો શું કહ્યું?