
ગાંધીનગરઃ રાજ્યમાં 16માં સિંહ વસ્તી ગણતરીના આંકડા સરકારે જાહેર કર્યા હતા. રાજ્યમાં 891 સિંહ નોંધાયા હતા. 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો વધારો થયો છે જેમાં 196 નર સિંહ અને 330 માદા સિંહનો સમાવેશ થાય છે, તો બીજી તરફ 140 પાઠડા અને 225 બાળ સિંહો છે.
2020માં કેટલા સિંહ નોંધાયા હતા
ગુજરાતમાં સિંહ ગણતરી પૂર્ણ થતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા આંકડા જાહેર કર્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વર્ષ 1963માં પ્રથમવાર સિંહની વસતી ગણતરી થઈ હતી અને રાજ્યના 11 જિલ્લામાં સિંહ વસતી ગણતરી કરાઈ હતી. વડા પ્રધાને પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકામાં આ સિંહની ગણતરી હાથ ધરવામાં હતી. 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગણતરી થઈ હતી. વર્ષ 2020ની ગણતરી વખતે 674 સિંહ નોંધાયા હતા. અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લામાં સિંહની ગણતરી કરાઇ હતી.
રાજ્યમાં ક્યારે થઈ હતી સિંહની વસ્તી ગણતરી
રાજ્યના 11 જિલ્લાઓમાં તા.10 થી 13 મે-2025 દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ હતી. જેમાં રિજનલ અધિકારી ઝોનલ અધિકારી , ગણતરીકારો ઓબ્ઝર્વર સહિત 511 સ્વંય સેવકો સહિતનાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો.
કેવી રીતે થઈ સિંહની વસ્તી ગણતરી
સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે 35,000 ચો. કિ.મી. નો વિસ્તાર કવર કરવામાં રાજયના 11 જિલ્લાના 58 તાલુકાઓના 8 રિજિયન, 32 ઝોન અને 112 સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 16મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર 3-10 ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અવલોકન રેકોર્ડિંગ માટે 24 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી હતી. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, આ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી હતી. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવ્યું હતું.
ભાવનગરમાં જોવા મળ્યો અલભ્ય નજારો
રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર નજીક અત્યાર સુધીનું સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યું હતું. 20 સભ્યોના આ શાહી પરિવારને ભાવનગરની ટીમે નોંધ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રમાં એક ટીમ દ્વારા 20 સિંહોનો બીજો સમૂહ જોવા મળ્યો હતો. રાજસ્થળી-વીરડી વિસ્તારમાં બે પુખ્ત સિંહ, છ સિંહણ અને ત્રણ મહિનાથી એક વર્ષ સુધીના આશરે 13 બચ્ચાઓને વિશાળ પરિવાર જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં નવ સિંહનો અન્ય સમૂહ પણ જોવા મળ્યો હતો. જે ભાવનગર સિંહ માટે મહત્ત્વપૂર્ણ રહેણાંક સ્થળ બની ગયું હોવાનું દર્શાવે છે.
ગુજરાતમાં ક્યારે થઈ હતી પ્રથમ વખત સિંહની વસ્તી ગણતરી
રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327 , વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411 , વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહો નોંધાયા હતા.