IPL 2025

આજની વાનખેડેની મુંબઈ-દિલ્હી મૅચ બીજે ખસેડવા એક ફ્રેન્ચાઈઝીના માલિકની અપીલ!

મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે આઈપીએલની કવોર્ટર ફાઈનલ સમાન અત્યંત મહત્ત્વની મૅચ છે, પરંતુ મેઘરાજા મજા બગાડી શકે એવી ભીતિને લીધે આ મૅચ અન્યત્ર કોઈ સ્થળે રાખવાની આગ્રહભેર માગણી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત, બેંગ્લૂરુ અને પંજાબની ટીમ પ્લે-ઑફ (PLAY OFF)માં પહોંચી ગઈ છે. ચોથા સ્થાન માટે હવે માત્ર મુંબઈ-દિલ્હી વચ્ચે રેસ છે અને આજની મૅચ તેમના માટે નિર્ણાયક બની શકે. મુંબઈના 14 અને દિલ્હીના 13 પોઇન્ટ છે.

ANI

મુંબઈ આજે દિલ્હી સામે જીતે તો 16 પોઇન્ટ સાથે સીધું પ્લે-ઑફમાં જઈ શકે. જો મુંબઈ હારે તો પંજાબ સામેની એની છેલ્લી લીગ મૅચ નિર્ણાયક સાબિત થઈ જાય. દિલ્હીની પણ પંજાબ સામેની મૅચ હજી બાકી છે. જો આજે વરસાદને કારણે મુંબઈ અને દિલ્હીએ એક-એક પોઇન્ટ શૅર કરવો પડે તો પણ મુંબઈના 15 પોઇન્ટ થાય અને અને દિલ્હીના 14 થાય. એ સ્થિતિમાં પંજાબ સામેની તેમની આગામી એક-એક મૅચ પ્લે-ઓફની ચોથી ટીમ નક્કી કરી શકે.

મુંબઈમાં ગઈ કાલથી અનેક પરાંઓમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. યલો અલર્ટ પણ જાહેર કરાયું છે. વાનખેડે (WANKHEDE)માં મુંબઈ આજે હારે તો અને દિલ્હી જીતે તો પણ કોકડું હજી ઉકેલાવાનું બાકી જ રહે.

આજની વાનખેડેની મૅચ દિલ્હી કરતાં મુંબઈનું વધુ સ્પષ્ટ ભાવિ નક્કી કરી શકે. એક જાણીતી વેબસાઈટના અહેવાલ મુજબ દિલ્હીની ટીમના સહ-માલિક પાર્થ જિંદાલે આઈપીએલ (IPL)ની ગવર્નિંગ બૉડીને એવી વિનંતી કરી છે કે ‘ મુંબઈમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આજે (બુધવારે) પણ પડી શકે. આગાહી છે જ. તમે વરસાદની સંભાવનાને લીધે 23મી મેની બેંગ્લૂરુ-હૈદરાબાદ વચ્ચેની બેંગ્લૂરુ ખાતેની મૅચ લખનઊમાં રાખી એ જ હેતુથી હવે મુંબઈ-દિલ્હીની આજની (21મી મેની) મૅચ અન્ય કોઈ શહેરમાં રાખી દો. હજી લીગ રાઉન્ડમાં છ દિવસ બાકી રહ્યા છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button