IMD ની આગાહી પ્રમાણે ગુજરાતના 5 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ…

ગાંધીનગરઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક રાજ્યોમાં થોડા દિવસથી વરસાદ શરૂ થઈ ગયો છે. આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, હવામાનમાં થયેલા અચાનક બદલાવના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. જેતપુર, ગોંડલ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ગઈ કાલે વરસાદ નોંધાયો હતો. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
વરસાદની વાત કરવામાં આવે તો, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં જિલ્લાના 16 જેટલા તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા 22મી મે અને 23મી મે સુધીમાં એટલે કે આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે અરબ સાગરમાં અત્યારે એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે. એટલું જ નહીં પરંતુ અરબ સાગર પણ અત્યારે સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી ભારે વરસાદ થઈ શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે 22 થી 24 મે સુધીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે વરસાદી વાતાવરણ હોવાના કારણે લોકોને ગરમીથી છૂટકારો મળી શકે છે. જો કે, વરસાદ પહેલા તો રાજ્યના મોટા ભાગના શહેરોમાં બફારો અનુભવાઈ રહ્યો છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જુનાગઢના વિસાવદર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો, ગાંધીનગર ખાતે રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે આજે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 2.4 ઇંચ વરસાદ નોંધાયો. રાજકોટના કોટડા સાંગણીમાં 1.8 ઇંચ, કુકવાવ અને અમરેલીમાં 1.6 ઇંચ, ગોંડલમાં 1.5 ઇંચ, બગસરામાં 1.4 ઇંચ, જામકંડોરણામાં 1.4 ઇંચ અને રાજકોટ શહેરમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો હતો.