પવઈમાં ઠલવાતા ૧૮ મિલિયન લિટર ગંદા પાણીની લાઈન અન્ય વાળવામાં આવશે…
સ્યુએજ વોટર પર પ્રક્રિયા કરવા સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરાશે પવઈ તળાવમાથી અત્યાર સુધી ૨૫ હજાર મેટ્રિક ટન વનસ્પતિ હટાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પવઈ તળાવની નૈસર્ગિક સમુદ્ધી વધારવા અને તેમાં ઊગી નીકળેલી વનસ્પતિને ફેલાતી રોકવા માટે તેમાં ઠલવાતા ગંદા પાણીને રોકીને પાઈપલાઈનને અન્ય જગ્યાએ વાળવવાની સાથે જ ગંદા પાણી પર પ્રક્રિયા કરવા સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરવાની યોજના સુધરાઈએ બનાવી છે, તે માટે ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.
પૂર્વ ઉપનગરમાં આવેલા પવઈ તળાવમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઊગી નીકળી છે અને તેને કારણે પાણી ઢંકાઈ ગયું છે. તેથી પાણીની નીચે રહેલા જળચરોને સૂર્યપ્રકાશ મળતો બંધ થઈ ગયો છે. આ વનસ્પતિ ઝડપથી વધી રહી છે તે માટે તેમાં રહેલી સ્યુએજ વોટર પાઈપલાઈન મારફત ઠલવાતું ગંદુ પાણી જવાબદાર છે. તેથી સુધરાઈ લાંબા સમયથી મશીનની મદદથી તળાવમાં ઊગી નીકળેલી વનસ્પતિને કાઢી રહી છે. અત્યાર સુધી ૨૫ હજાર મેટ્રિક ટન વનસ્પતિ કાઢવામાં આવી છે.
પવઈ તળાવનું પાણી ક્ષારયુક્ત હોવાથી તે પીવાને યોગ્ય ન હોવાથી તેનો ઉપયોગ આરે કૉલોની અને આજુબાજુની કંપનીઓમાં કમર્શિયલ કામ માટે કરવામાં આવે છે. તેમ જ દર વર્ષે ગણેશોત્સવ દરમ્યાન અહીં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. પવઈ તળાવની આજુબાજુ બિલ્ડિંગ, હૉટલ, ઝૂંપડપટ્ટી ઊભા થઈ ગયા હોવાથી નિર્માણ થનારા ગંદા પાણીને પવઈ તળાવમાં ઠાલવવામાં આવે છે, તેથી તળાવ પ્રદૂષિત થાય છે અને તેને કારણે ઝડપથી વનસ્પતિ પણ ઊગી રહી છે.
આ વનસ્પતિને રોકવા પાલિકાએ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા બાદ પણ તેનું પ્રમાણ ઘટવાને બદલે વધી રહ્યું છે. તેથી હવે કાયમીસ્વરૂપે ઉપાયયોજના અંતર્ગત તળાવમાં ઠલવાતા ૧૮ મિલ્યન લિટર ગંદા પાણીને રોકીને પાઈપલાઈન અન્ય જગ્યાએ વાળશે અને ગંદા પાણી પર પ્રક્રિયા કરશે. આ બંને કામ માટે અલગ અલગ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. તળાવમાં ઠલવાતા ૧૮ મિલ્યન ગંદા પાણીમાંથી આઠ મિલ્યન લિટર માટે હાલ બંધ રહેલા પવઈ પમ્પિંગ સ્ટેશનનો વિચાર ચાલી રહ્યો છે. અહીં સ્યુેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરીને આઠ મિલ્યન લિટર પાણી પર પ્રક્રિયા કરીને તેને ફરી પવઈ તળાવમાં જ ઠલવાશે.
બાકીનું આઠ મિલ્યન લિટર પાણી આદિ શંકરાચાર્ય રોડ પર રહેલી પાઈલાઈન મારફત ભાંડુપમાં આવેલા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાળવવામાં આવશે અને બાકીના બે મિલ્યન લિટર પાણીને પેરુ બાગમાં આવેલા પમ્પિંગ સ્ટેશન તરફ વાળીને સ્યુએજ લાઈન મારફત મીઠી નદી પરના નવ મિલ્યન લિટર ક્ષમતા સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાળવામાં આવશે. તેથી પવઈમાં ઠલવાતા ગંદા પાણીને રોકવામાં મદદ મળશે. ટેન્ડર બહાર પાડીને તમામ કામ પૂરા કરવા માટે ૧૮ મહિનાની મુદત નક્કી કરવામાં આવી હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.