ધોનીના નિવેદનથી ખળભળાટ: CSKમાં મોટા ફેરફારોના સંકેત, કયા ખેલાડીઓની થશે છુટ્ટી?

મુંબઈ: પાંચ વખતની IPL ટાઈટલ વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPL 2025ની સિઝન ખુબ નિરાશાજનક રહી. CSKએ આ સિઝનમાં 12 મેચ રમી છે, જેમાંથી ટીમ માત્ર ત્રણ મેચમાં જ જીત મેળવી શકી છે. ટીમ સિઝનની બાકીની બે મેચ જીતી લે તો પણ ખાસ ફરક નહીં પડે, જોકે CSK ટેબલમાં છેલ્લા ક્રમે રહેવાથી બચવાનો પ્રયત્ન કરશે. આજે મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા ટોસ સમયે CSKના કેપ્ટન એમએસ ધોની(MS Dhoni)એ એક મોટી જાહેરાત કરી હતી. જેના પરથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આવતા વર્ષ સુધીમાં ઘણા ખેલાડીઓ ટીમમાંથી છુટા કરવામાં આવી શકે છે.
RR સામેની મેચ પહેલા ટોસ માટે આવેલા એમએસ ધોનીએ કહ્યું કે અમે અમારી બેટિંગ પર કામ કરવા ઇચ્છીએ છીએ. તેમણે કહ્યું કે અમે તપાસી રહ્યા છીએ કે કયો ખેલાડી કયા નંબર પર સારી બેટિંગ કરી શકે છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે ટીમને તેની બોલિંગ પર કામ કરવાની જરૂર છે.
ધોનીએ કહ્યું કે ટીમ આ વર્ષની ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ, હવે અમારે આવતા વર્ષ માટે જવાબો શોધવા પડશે. તેમણે કહ્યું કે ટીમ કોમ્બિનેશનમાં કયા ખેલાડીઓ ફિટ થશે તેની પસંદગી આવતા વર્ષની હરાજી પહેલા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જરૂરી નથી કે બધા પ્રકારના શોટ રમવામાં આવે, આ માટે પસંદગી મહત્વપૂર્ણ છે.
જોકે એમ એસ ધોનીએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ જો તેમના નિવેદનના આધારે એવું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે કે જે ખેલાડીઓએ આ વર્ષે સારું પ્રદર્શન કર્યું નથી તેમને આવતા વર્ષની હરાજી પહેલાં બહાર કરવામાં આવશે.
આ વખતે યોજાશે મીની ઓક્શન:
આ વર્ષની IPL પહેલા ગયા વર્ષે એક મેગા ઓક્શન યોજાયું હતું, આવતી IPL સિઝન પહેલા મીની ઓક્શન યોજાશે. આવી સ્થિતિમાં, ટીમ કેટલા ખેલાડીઓને રીટેઈન કરે એ મહત્વનું નથી. ટીમ જેને ઈચ્છે તેને રિલીઝ કરી શકે છે અને આવતા વર્ષ પહેલાં નવા ખેલાડીઓ પર બોલી લગાવી શકે છે.
આ પણ વાંચો…રાજસ્થાન રૉયલ્સ આજે હારે એટલે સાવ તળિયે