બુધવારે મુંબઈ જીતે તો પ્લે-ઑફમાં અને હારી જાય તો…
દિલ્હી સામેના વાનખેડેના મુકાબલામાં વરસાદ બાજી બગાડી શકે

મુંબઈઃ વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં બુધવાર, 21મી મેએ (સાંજે 7.30 વાગ્યાથી) દિલ્હી કૅપિટલ્સ (DC) સામે રમાનારી અત્યંત મહત્ત્વની અને પોતાની અંતિમ લીગ મૅચ જીતીને મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ સીધી પ્લે-ઑફમાં પહોંચી જશે. જોકે મંગળવારે શહેરમાં અનેક સ્થળે વરસાદ પડ્યો હોવાથી બુધવારે પણ પડી શકે અને એ સ્થિતિમાં જો મૅચ અનિર્ણીત રહેશે અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળશે તો મુંબઈએ પ્લે-ઑફ (PLAY OFF) માટે થોડી રાહ જોવી પડશે.
ગુજરાત (18 પૉઇન્ટ), બેંગલૂરુ (17) અને પંજાબ (17)ની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે. મુંબઈ (14) અને દિલ્હી (13) બેમાંથી એક જ ટીમને પ્લે-ઑફમાં જવાનો મોકો છે. જો બુધવારે મેઘરાજા મહેરબાન થશે અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવાના સંજોગો ઊભા થશે તો મુંબઈના 15 પૉઇન્ટ અને દિલ્હીના 14 પૉઇન્ટ થશે. દિલ્હીની ત્યાર બાદ પંજાબ સામેની શનિવાર, 24મી મેની મૅચના પરિણામ પર મુંબઈએ મદાર રાખવો પડશે.
આ પણ વાંચો: આઇપીએલ-ફાઇનલ માટેના અમદાવાદના સ્ટેડિયમના રસપ્રદ આંકડા જાણી લો…
બુધવારે જો મુંબઈ 15 પૉઇન્ટ પર રહ્યું હોય અને દિલ્હી જો શનિવારે પંજાબ સામે જીતી જશે તો 16 પૉઇન્ટ સાથે પ્લે-ઑફમાં પહોંચી જશે. જો દિલ્હી એ દિવસે કોઈ કારણસર એક પૉઇન્ટ મેળવશે તો એના 15 પૉઇન્ટ થશે, પરંતુ એ સ્થિતિમાં મુંબઈને 15 પૉઇન્ટ તથા +1.156ના રનરેટ સાથે પ્લે-ઑફમાં જવા મળશે. જો દિલ્હી શનિવારે પંજાબ સામે હારી જશે તો મુંબઈને લાસ્ટ-ફોરમાં જવાનો સીધો રસ્તો મળી જશે.
ચેન્નઈ, હૈદરાબાદ, રાજસ્થાન, કોલકાતા અને લખનઊની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે. મુંબઈની ટીમ પાંચ વખત ટાઇટલ જીતી છે, જ્યારે દિલ્હીને હજી સુધી ટાઇટલ નથી જીતવા મળ્યું.
આ પણ વાંચો: રાજસ્થાને ફરી લક્ષ્યાંક ચેઝ કરવાનું પસંદ કર્યું, ચેન્નઈને પ્રથમ બૅટિંગનો મોકો
રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યાર પછીની તે પહેલી વાર રમતો જોવા મળશે. બીજું, વાનખેડેમાં એક સ્ટૅન્ડને તેનું નામ અપાયું છે અને તે પોતાના જ નામવાળા સ્ટૅન્ડ સામે રમીને અનેરો ગર્વ અનુભવશે.