અમેરિકાના લેવિસ્ટન શહેરમાં અંધાધૂંધ ગોળીબાર, 22 ના મોત, 50થી વધુ ઘાયલ
અમેરિકાના મેઈન રાજ્યના લેવિસ્ટન શહેરમાં બુધવારે મોડી રાત્રે એક શખ્સે સેમી-ઓટોમેટિક રાઈફલ વડે ત્રણ સ્થળોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના બાદ શંકાસ્પદ હુમલાખોર ફરાર થઇ ગયો હતો, જેની શોધ ચાલુ છે.
અહેવાલ મુજબ ફાયરિંગની ઘટના લેવિસ્ટન શહેરના બોલિંગ એલી, વોલમાર્ટ સેન્ટર સહિત સ્થાનિક બારમાં બની હતી. ઘાયલોને વિસ્તારની હોસ્પિટલો દાખલ કરવામાં આવ્યા છે. 50 થી 60 લોકો ઘાયલ થયા છે, પરંતુ કેટલા લોકોને ગોળી વાગી છે તે સ્પષ્ટ નથી. અહેવાલો અનુસાર મૃત્યુઆંક હજુ વધી શકે છે.
સુરક્ષા અધિકારીઓએ સોશિયલ મીડિયા પર રાઇફલ સાથે શંકાસ્પદ હુમલાખોરની બે તસવીરો શેર કરી હતી અને શંકાસ્પદને ઓળખવામાં લોકોની મદદ માંગી હતી. એક અહેવાલ મુજબ હુમલાખોરની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ છે. તેણે લગભગ 20 વર્ષ સુધી સેનામાં સાર્જન્ટ તરીકે કામ કર્યું હતું. હુમલાખોર ફરાર છે, જે વધુ હુમલા કરી શકે છે. મેઈન સ્ટેટ પોલીસે લોકોને તેમના સ્થાન પર જ રહેવા કહ્યું છે. પોલીસ વિવિધ વિસ્તારોમાં હુમલાખોરની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ ઘટના સ્થળની તપાસ કરી પુરાવા એકઠા કરી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. ગયા વર્ષે મે 2022 પછી આ સૌથી ઘાતક સામૂહિક ગોળીબારની ઘટના છે. ગયા વર્ષે મે મહિનામાં ટેક્સાસની એક સ્કૂલમાં ગોળીબારમાં 19 બાળકો સાથે બે શિક્ષકોના મોત થયા હતા.