નેશનલ

ઓપરેશન સિંદૂર: TMC તરફથી અભિષેક બેનર્જી કરશે ભારતનું પ્રતિનિધિત્વ

નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટી સાંસદ અભિષેક બેનર્જી ‘ઓપરેશન સિંદૂર’ પર સંસદીય પ્રતિનિધિમંડળમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પ્રતિનિધિત્વ અંગે ચર્ચા કરવા માટે ટીએમસીના વડા મમતા બેનર્જીનો સંપર્ક કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટીએમસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે “અમને જણાવતા આનંદ થાય છે કે અમારા અધ્યક્ષ મમતા બેનર્જીએ આતંકવાદ સામે ભારતના વૈશ્વિક સંપર્ક માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરવા માટે રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીને નામાંકિત કર્યા છે.

તૃણમૂલ કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે, એવા સમયમાં જ્યારે આતંકવાદના વધતા ખતરાનો સામનો કરવા માટે વિશ્વને એક થવું પડશે, ત્યારે અભિષેક બેનર્જીનું પ્રતિનિધિમંડળમાં જોડાવાથી દ્રઢ વિશ્વાસ અને સ્પષ્ટતા બંને મળે છે. તેમની હાજરી આતંકવાદ સામે બંગાળના મક્કમ વલણને પ્રતિબિંબિત કરશે. સાથે વૈશ્વિક મંચ પર ભારતનો સામૂહિક અવાજ પણ મજબૂત કરશે.

અગાઉ કેન્દ્ર સરકારે ટીએમસીના સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને યુસુફ પઠાણનો આ પ્રતિનિધિમંડળમાં સમાવેશ કર્યો હતો, પરંતુ બંનેએ અલગ અલગ કારણોસર પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આ પ્રતિનિધિમંડળ આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિ સામે પાકિસ્તાનની નાપાક હરકતોનો દુનિયા સામે ખુલાસો કરવા માટે વિવિધ દેશોમાં જશે.

અગાઉ મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકારે નિર્ણય ના કરવો જોઇએ કે પક્ષ કોને પ્રતિનિધિમંડળમાં સામેલ કરે. મમતા બેનર્જીના મતને સમર્થન આપતા અભિષેકે કહ્યું હતું કે પક્ષના નેતૃત્વએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરવા માટે રાજદ્વારી મિશન માટે તેના પ્રતિનિધિઓના નામ નક્કી કરવા જોઈએ.

આ પણ વાંચો…ઓપરેશન સિંદૂર પર રાજકારણ: ભાજપ આઈટી સેલે રાહુલ ગાંધીને ‘મીર જાફર’ કહેતા કોંગ્રેસ લાલઘૂમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button