મધ્ય રેલવેના પ્રવાસીઓની સવાર કોણે બગાડી હતી, જાણો શું હતું કારણ?

મુંબઈઃ આર્થિક પાટનગર મુંબઈ સબર્બન રેલવેનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ હજુ રેલવે ટ્રેક પર ગાય-ભેંસ ઘાસ ચરાવવાનું ચાલુ છે. મુંબઈની ભાગોળમાં આજે મુમ્બ્રા-થાણે વચ્ચે રેલવેના પાટા પર ભેંસને લોકલ ટ્રેને ટક્કર મારતા મધ્ય રેલવેની લોકલ ટ્રેનસેવા પર ગંભીર અસર થઈ હતી. પીક અવર્સમાં લોકલ ટ્રેનો કલાકો સુધી મોડી દોડવાને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.
મધ્ય રેલવેમાં મુમ્બ્રા અને થાણે વચ્ચે આ બનાવ બન્યો હતો. રેલવે ટ્રેક પર ઘાસ ચારતી ભેંસ લોકલ ટ્રેન સાથે ટકરાતા વ્હિલમાં ફસાઈ ગઈ હતી. લોકલ ટ્રેનના મોટરમેને ટ્રેનને ઈમર્જન્સી બ્રેક મારીને રોકી લીધી હતી, પરંતુ તેને કારણે લોકલ ટ્રેનસેવા પર અસર થઈ હતી. સવારના સાડા દસ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. મુમ્બ્રા રેલવે સ્ટેશન નજીક કલ્યાણ જનારી ફાસ્ટ લોકલ ટ્રેન સાથે ભેંસ ટકરાઈ હતી, એમ રેલવેએ જણાવ્યું હતું.
આ બનાવને કારણે મુંબઈથી કલ્યાણ અને કલ્યાણથી મુંબઈ જનારી લોકલ ટ્રેનની સેવા પર અસર થઈ હતી. લોકલ ટ્રેનના વ્હિલમાં ચિપકી ગયેલી ભેંસને કાઢવામાં વિલંબ થયો હતો. સવારના સાડા અગિયાર વાગ્યા સુધીમાં ટ્રેનવ્યવહાર શરુ કર્યો હતો, પરંતુ સવારથી લઈને બપોર સુધીમાં લોકલ ટ્રેનની અવરવજર પર અસર થઈ હતી. કલ્યાણથી સીએસએમટી જનારી લોકલ ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડવાને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.
મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોના ટાઈમટેબલમાં ફેરફાર થયા પછી નિયમિત રીતે ટ્રેનો મોડી દોડતી હોવાથી ટ્રેન અને રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની હંમેશાં ભીડ જોવા મળે છે. એટલું જ નહીં, છેલ્લી ઘડીએ પ્લેટફોર્મ ચેન્જ કરતા હોવાથી સિનિયર સિટિઝન સહિત મહિલાઓને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર દોડાદોડી કરવાની ફરજ પડે છે. આ મુદ્દે પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તેના અંગે નક્કર કામગીરી થતી નથી એ કમનીસબ વાત છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
આ પણ વાંચો…મધ્ય રેલવેના આ સ્ટેશન પર ટ્રેન પ્લેટફોર્મથી આગળ નીકળી ગઈ અને…