ભારતીય ટીમને લાગ્યો ઝટકો, હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની મેચમાંથી રહી શકે છે બહાર
નવી દિલ્હી: ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપની આગામી બે મેચમાં નહીં રમી શકે. હાર્દિક પંડ્યા ઇગ્લેન્ડ અને શ્રીલંકા સામેની મેચમાં ન રમે તેવી સંભાવના છે.
હાર્દિક પંડ્યા ગયા અઠવાડિયે બંગલાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે તે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં
રમશે નહીં અને ૨૯ ઑક્ટોબરે ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા લખનઊમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. જો કે હવે એક રિપોર્ટ અનુસાર, ઇજાના કારણે હાર્દિક ભારતની આગામી બે વર્લ્ડ કપ મેચમાંથી બહાર રહી શકે છે.
૧૯ ઑક્ટોબરે પુણેમાં બંગલાદેશ સામે બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાને ઇજા થઇ હતી.
૨૨ ઑક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તે રમી શક્યો નહોતો. સોમવારે બેંગલૂરુમાં નેશનલ ક્રિકેટ અકાડમીમાં તેનો રિપોર્ટ કરાયો હતો. હવે તે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની મેચોથી દૂર રહે તેવી શક્યતા છે.
એનસીએના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે હાર્દિકની હજુ પણ સારવાર ચાલી રહી છે. તેના ડાબા પગની ઘૂંટીમાં સોજો ઘણો ઓછો થઈ ગયો છે, પરંતુ તે આ અઠવાડિયાના અંતમાં જ બોલિંગ શરૂ કરશે.
અત્યારે મહત્ત્વની બાબત એ છે કે તેમને સ્વસ્થ થવા માટે સમય આપવામાં આવશે. ભારત સેમિફાઈનલમાં સ્થાન મેળવવા માટે પ્રબળ દાવેદાર છે. તેણે અત્યાર સુધીની તમામ પાંચ મેચો જીતી છે અને પંડ્યાને આગામી બે મેચો માટે આરામ આપવામાં આવી શકે છે જેથી તે નોકઆઉટ પહેલા સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે.
એનસીએના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘પંડ્યાને મચકોડ આવી હતી પરંતુ સદનસીબે કોઈ ફ્રેક્ચર થયું નથી. બીસીસીઆઈની મેડિકલ ટીમ મહત્તમ સાવચેતી રાખવા માંગે છે. તે આગામી બેથી ત્રણ મેચમાંથી બહાર રહે તેવી શક્યતા છે. ટીમ ઇચ્છે છે કે તે નોકઆઉટ સ્ટેજ માટે સંપૂર્ણ રીતે ફિટ રહે.
ભારતે તેની આગામી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ૨૯ ઑક્ટોબરે લખનઊમાં અને બે નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા સામે રમવાની છે.