એક જ માંડવામાં એક વરરાજા અને બે કન્યા, ત્રણ સંતાનો પણ રહ્યા હાજર, જાણો અનોખા લગ્ન વિષે

વાંસદા: ગુજરાતના નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં યોજાયેલો એક લગ્ન સમારંભ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે, આ લગ્નના માંડવામાં બે કન્યાઓ એક વરરાજા સાથે લગ્નબંધને જોડાયા. અહેવાલ મુજબ લગ્ન પહેલા વરરાજા અને બંને છોકરીઓ 16 વર્ષ સુધી લીવ ઇનમાં રહ્યા હતાં, આ લગ્નમાં તેમના ત્રણ બાળકો પણ હાજર રહ્યા હતાં. સમાજે આ લગ્નને વધાવી લીધા હતાં.
હકીકતે ભારતના ઘણા આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ હજુ પણ પ્રચલિત છે. કુકના સમુદાયમાં પણ બે પત્નીઓ રાખવાની પરંપરા હજુ પણ પ્રચલિત છે. સમાજના ઘણા પુરુષો એક સાથે બે મહિલાઓ સાથે લગ્ન કરે છે. પહેલા લગ્ન પછી કોઈ પુરુષ બીજી મહિલાના પ્રેમમાં પડે છે, તો પુરુષ તેની પ્રેમિકાને પત્નીનો દરજ્જો પણ આપી શકે છે અને પહેલી પત્ની પણ તેને સ્વીકારે છે.
પારિવારિક પરંપરા:
અહેવાલ મુજબ હાલમાં આ લગ્ન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના છેવાડે આવેલા ખાનપુર ગામમાં યોજાયા હતાં. અહીં 36 વર્ષીય મેઘરાજ દેશમુખ 16 વર્ષ લીવ ઇનમાં રહ્યા બાદ બે છોકરીઓ સાથે ફેરા ફર્યા હતાં, હવે ત્રણે સાથે વૈવાહિક જીવન વિતાવશે. આ પરિવારમાં બે પત્નીઓ રાખવાની પરંપરા પેઢીઓથી ચાલી આવી છે. મેઘરાજના દાદાને પણ બે પત્નીઓ હતી, તેમના પિતાએ પણ પહેલા સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કર્યા અને પછી પ્રેમ લગ્ન કર્યા.
મેઘરાજના આ લગ્નની કંકોત્રી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. કંકોત્રીમાં એક વરરાજા અને બે કન્યાના નામ જોવા મળ્યા હતાં.
આપણ વાંચો: ગૃહિણીનું વશીકરણ કરીને સોનાની લૂંટ ચલાવનાર બાવાઓની ત્રિપુટી અંજારથી ઝડપાઈ
બાળકો પણ માતાપિતાના લગ્નમાં હાજર રહ્યા:
મેઘરાજને ત્રણ બાળકો પણ છે, બાળકો પણ માતા-પિતાના લગ્નમાં હજાર રહ્યા હતાં. ખાનપુર ગામના રહેવાસી મેઘરાજની ખાંડા ગામની કાજલ ગાવિત સાથે વર્ષ 2010માં સગાઈ થઈ હતી. બાદમાં વર્ષ 2013માં મેઘરાજે કેલીયા ગામની રેખાબેન ગાઈન સાથે સગાઈ કરી હતી. ત્યાર બાદથી મેઘરાજ કાજલ અને રેખા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. દરમિયાન, મેઘરાજને કાજલ થકી બે તથા રેખા થકી એક એમ ત્રણ બાળક થયા હતાં.