પંત બૅટિંગમાં ફરી ફ્લૉપ ગયો એટલે ગોયેન્કા બાલ્કનીમાંથી ઊભા થઈને જતા રહ્યા

લખનઊઃ આઇપીએલ-2025 (IPL-2025)ના નવ દિવસના બ્રેકનો લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના કૅપ્ટન રિષભ પંત (RISHABH PANT)ને કોઈ જ ફાયદો ન થયો અને સોમવારનો દિવસ તેના માટે તેમ જ તેની ટીમ માટે કમનસીબ બની રહ્યો હતો, કારણકે એક તો તે ફરી એકવાર બૅટિંગમાં ફ્લૉપ ગયો અને પછીથી તેની ટીમ એલએસજી પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ હતી. એલએસજીના માલિક સંજીવ ગોયેન્કા (SANJIV GOENKA) ટીમની આ બાદબાકીથી નિરાશ તો છે જ, એ પહેલાં તેઓ ખાસ કરીને બૅટિંગમાં પંતના ફ્લૉપ-શોથી ખૂબ નારાજ હતા અને તે આઉટ થતાં જ ગોયેન્કા સ્ટેડિયમની બાલ્કનીમાંથી ઊભા થઈને જતા રહેલા જોવા મળ્યા હતા.
પંતને ગોયેન્કાના ફ્રૅન્ચાઇઝીએ સૌથી ઊંચા 27 કરોડ રૂપિયાના ભાવે ખરીદ્યો છે. 12 મૅચમાં પંત ફક્ત એક હાફ સેન્ચુરી ફટકારવામાં સફળ થયો છે.
12 મૅચમાં પંતની 11 ઇનિંગ્સમાં બૅટિંગ આવી અને તેના 11 ઇનિંગ્સના સ્કોર આ મુજબ રહ્યા છેઃ 0, 15, 2, 2, 21, 63, 3, 0, 4, 18 અને 7 રન.
પંત અગાઉની ઇનિંગ્સમાં બૅટિંગમાં ફ્લૉપ ગયો અને તેની ટીમ હારી રહી હતી ત્યારે પણ એક દિવસ ગોયેન્કા તેની સાથે ગુસ્સામાં વાતચીત કરી રહ્યા હોય એવો વીડિયો વાઇરલ થયો હતો.
લખનઊની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થયેલી પાંચમી ટીમ છે. બીજી ચાર ટીમમાં ચેન્નઈ, હૈદરાબાદ, રાજસ્થાન અને કોલકાતાનો સમાવેશ છે.
બેંગલૂરુ, પંજાબ અને ગુજરાતની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે અને હવે છેલ્લા (ચોથા) સ્થાન માટે મુંબઈ અને દિલ્હી વચ્ચે હરીફાઈ છે.
આ પણ વાંચો…રાજસ્થાનના યુવા બેટ્સમેન અંગે હવે રાહુલ દ્રવિડે આપ્યું મહત્ત્વનું નિવેદન