
નવી દિલ્હી: આજે મંગળવારથી સુપ્રીમ કોર્ટમાં વક્ફ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2025 વિરુધ દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી (Hearing of Waqf act in SC) શરુ થઇ છે. આ સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ(CJI BR Gavai)એ મહત્વની ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓ બંધારણીય માનવામાં આવે છે, જ્યાં સુધી સ્પષ્ટ અને ગંભીર સમસ્યા જાણવા ન મળે ત્યાં સુધી અદાલતો તેમાં દખલ કરી શકે નહીં.
ચીફ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચ ગયા મહિને સંસદમાંથી પસાર કરવામાં આવેલા વક્ફ એમેન્ડમેન્ટ એક્ટ, 2025ને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા (Tushar Mehta) દલીલ કરી રહ્યા છે, જ્યારે અરજદારો વતી વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ (Kapil Sibbal) અને અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Sighvi) દલીલ કરી રહ્યા છે.
સુનાવણી ત્રણ મુદ્દા સુધી માર્યાદિત:
સુનાવણીની શરૂઆતમાં, કોર્ટે અરજીઓ પર વચગાળાનો આદેશ પસાર કરવા માટે સુનાવણી ત્રણ મુદ્દાઓ સુધી મર્યાદિત રાખી હતી. કોર્ટે કહ્યું કે હાલમાં સુનાવણીનું ધ્યાન વકફ બાય યુઝર, વકફ કાઉન્સિલ અને રાજ્ય વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોની નિમણૂક અને વકફ હેઠળ સરકારી જમીનની ઓળખ પર કેન્દ્રિત હોવું જોઈએ. આના પર, કેન્દ્રએ ખાતરી આપી કે જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી તે સુનાવણી ફક્ત આ મુદ્દાઓ સુધી મર્યાદિત રાખશે.
સરકારે જવાબ રજુ કર્યો:
મંગળવારની સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્રએ આ ત્રણ મુદ્દાઓ પર પોતાનો જવાબ રજૂ કર્યો છે. તેમણે કહ્યું, “અરજદારોની લેખિત રજૂઆતો હવે અન્ય ઘણા મુદ્દે સુનાવણી કરવાની છે. મારી વિનંતી છે કે તેને ફક્ત ત્રણ મુદ્દાઓ સુધી મર્યાદિત રાખવામાં આવે.”
અરજદારના વકીલોએ વિરોધ કર્યો:
જોકે, અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલોએ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું, “તત્કાલીન CJI (સંજીવ ખન્ના) એ કહ્યું હતું કે અમે કેસની સુનાવણી કરીશું અને જોઈશું કે કેવી વચગાળાની રાહત આપવી. હવે અમે દલીલો ત્રણ મુદ્દાઓ સુધી મર્યાદિત રાખી શકીએ નહીં, કટકા કટકામાં સુનાવણી થઈ શકે નહીં.
સિબ્બલે દલીલ કરી હતી કે આ કાયદો વકફ જમીનો પર નિયંત્રણ મેળવવા માટે છે. તેમણે કહ્યું, “કાયદો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે કોઈપણ પ્રક્રિયાને અનુસર્યા વિના વકફ મિલકત છીનવી લેવામાં આવે.”
તેમણે એ જરૂરિયાત પર પણ ભાર મૂક્યો કે ફક્ત તે વ્યક્તિ જ વકફ બનાવી શકે છે જેણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઇસ્લામ ધર્મને અનુસર્યો હોય.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર ધારદાર દલીલો, સીજેઆઈએ સવાલ પૂછતાં કપિલ સિબ્બલ ફસાયા