નેશનલ

ઓપરેશન સિંદૂર પર રાજકારણ: ભાજપ આઈટી સેલે રાહુલ ગાંધીને ‘મીર જાફર’ કહેતા કોંગ્રેસ લાલઘૂમ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ઓપરેશન સિંદૂરને લઈ દેશમાં રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ ભાજપે લોકસભા વિપક્ષ નેતાને ઘેરવાનું શરૂ કર્યું છે. ભાજપ નેતાએ રાહુલ ગાંધીની તુલના ‘મીર જાફર’ સાથે કરી છે.

ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું, રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે તેમાં ચોંકાવનારું નથી. ઓપરેશન સિંદૂરને લઈ તેમણે વડા પ્રધાનને અભિનંદન પણ નહોતા આપ્યા. જેના બદલે તેઓ વારંવાર કેટલા એરક્રાફ્ટ ગુમાવ્યા તેવો સવાલ પૂછી રહ્યા છે. તેમના આ સવાલનો જવાબ ડીજીએમઓની બ્રીફિંગમાં પહેલાથી જ આપવામાં આવી ચુક્યો છે.

અમિત માલવિયાએ કહ્યું, રાહુલ ગાંધીએ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના કેટલા જેટ તોડી પાડવામાં આવ્યા તે જાણવાલની એક પણ વખત કોશિશ કરી નથી. રાહુલ ગાંધીએ આગળ શું મળશે? નિશાન-એ-પાકિસ્તાન? તેમણે એક તસવીર પણ પોસ્ટ કરી છે. જેમાં અડધો ચહેરો પાકિસ્તાની સેનાના ચીફ આસિમ મુનીરનો અને અડધો ચહેરો રાહુલ ગાંધીનો છે. ઉપરાંત અન્ય એક પોસ્ટમાં રાહુલ ગાંધીને નવા યુગના મીર જાફર ગણાવ્યા છે.

આપણ વાંચો:  કેન્દ્ર સરકારે આપી બ્રોકર્સને મોટી રાહત, વ્યવસાયની વ્યાખ્યા સ્પષ્ટ કરી

ભાજપ આઈટી સેલ સામે કોંગ્રેસના આક્રમક તેવર

અમિત માલવિયાએ રાહુલ ગાંધીને લઈ કરેલી પોસ્ટ પર કોંગ્રેસ લાલઘૂમ થયું છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું, સત્તાધારી પક્ષ ગંભીર માહોલમાં કાર્ટુનગિરી કરી રહ્યું છે. વિપક્ષ તો સત્તા પક્ષ સાથે ઉભું હતું પરંતુ ભાજપ હંમેશા વાહિયાત હરકત કરે છે. અમને સેના પર ભરોસો છે પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વ પર નથી. પહલગામમાં જે 4 આતંકીઓએ નિર્દોષોની હત્યા કરી હતી તેઓ ભાગી ગયા બાદ શું થયું? જે લોકો નવાજ શરીફના ઘરે બિરયાની ખાવા ગયા હતા તેમને નિશાન-એ-પાકિસ્તાન મળવો જોઈએ.

શું છે સમગ્ર મામલો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદેશ પ્રધાન જયશંકરને સવાલ પૂછ્યો હતો કે, વિદેશ પ્રધાન જયશંકર મૌન છે. તેમનું આ મૌન ઘણું કહી જાય છે. હું ફરી વાર પૂછીશ કે પાકિસ્તાનના હુમલામાં આપણા કેટલા એરક્રાફ્ટ નાશ પામ્યા? આ માત્ર ભૂલ નથી. દેશને સત્ય જાણવાનો હક છે. આ પહેલા પણ રાહુલ ગાંધીએ જયશંકર પર નિશાન સાધતાં કહ્યું હતું કે, હુમલો કરતા પહેલા પાકિસ્તાનને જાણ કરવી ગુનો છે. વિદેશ પ્રધાને જાહેરમાં તેનો સ્વીકાર કર્યો છે. તેની મંજૂરી કોણે આપી હતી? આપણે કેટલા એરક્રાફ્ટ ગુમાવ્યા?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button