આર્મી ચીફ રાજસ્થાન બોર્ડર પહોંચ્યા, સીડીએસે પણ એરબેઝ અને મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી

જેસલમેર: ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતા પછી પ્રથમવાર આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાજસ્થાનના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે સેનાના જવાનો સાથે વાતચીત કરી અને તેમનું મનોબળ વધાર્યું. ઉપેન્દ્ર દ્વિવેદીએ કોણાર્ક કોર્પ્સના આગળના વિસ્તાર જેસલમેરમાં લોંગેવાલાની મુલાકાત લીધી.
ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા
તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરી. સેના પ્રમુખે પાકિસ્તાની હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવનારા સૈનિકોને મળ્યા. આર્મી ચીફે સૈનિકોને અભિનંદન આપ્યા અને તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નેતૃત્વમાં ભારતીય સેનાના સૈનિકોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા.
સેના પ્રમુખે લોંગેવાલા પોસ્ટની પણ મુલાકાત લીધી
આર્મી ચીફે લોંગેવાલા પોસ્ટની મુલાકાત લીધી. લોંગેવાલા રાજસ્થાનના જેસલમેરમાં થાર રણમાં એક નાનું સ્થળ છે. આ વિસ્તાર પાકિસ્તાનની સરહદ પર છે. આ સ્થળનું ખાસ મહત્વ છે કારણ કે અહીંની ચોકી પર પાકિસ્તાન દ્વારા 4 થી 7 ડિસેમ્બર 1971ની વચ્ચે હુમલો કરવામાં આવ્યો હતો.અહીં બંને દેશોના સૈનિકો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો.
આપણ વાંચો: ભારતીય સેના અધિકારીનું લશ્કરી ક્ષમતા મુદ્દે મોટું નિવેદન, કહ્યું ભારતની રેન્જમાં સમગ્ર પાકિસ્તાન
સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પણ સૈનિકોનું મનોબળ વધાર્યું
આર્મી ચીફ પછી સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પણ લશ્કરી છાવણી અને એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી. સીડીએસ જનરલ અનિલ ચૌહાણે સુરતગઢ મિલિટરી સ્ટેશન અને નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી અને સૈનિકોનું મનોબળ વધાર્યું. આ બંને લશ્કરી છાવણીઓ આગળના વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સીડીએસે ઓપરેશન સિંદૂર દરમિયાન સૈનિકોએ દાખવેલી હિંમતની પ્રશંસા કરી. તેમણે સૈનિકોને આગળ આવનારા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવા પણ જણાવ્યું હતું.