એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : સ્ટાલિનનો પત્ર: કેન્દ્ર-રાજ્યોનો જંગ ઉગ્ર બનશે

-ભરત ભારદ્વાજ

તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને ભાજપ વિરોધી પક્ષોની સરકારો ધરાવતાં આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખતાં રાજ્યો વિરુદ્ધ કેન્દ્ર સરકારનો જંગ ઘેરો બનવાનાં એંધાણ છે. સ્ટાલિને પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, કેરળ, ઝારખંડ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર એમ 8 બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાંથી માંગવામાં આવેલા સંદર્ભનો વિરોધ કરવાની અપીલ કરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લખેલા પત્રના કારણે સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ રાષ્ટ્રપતિનો જંગ જામેલો જ છે. રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારની સલાહથી સ્પષ્ટતા માગી છે તેથી કેન્દ્ર સરકાર પણ પડદા પાછશ જંગમાં સામેલ છે જ. હવે સ્ટાલિને બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનો મોરચો બનાવવાની હિલચાલ આદરતાં રાજ્યો વિરુદ્ધ કેન્દ્રનો સીધો જંગ પણ શરૂ થઈ જશે.

ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોના અધિકારો અને સત્તા નક્કી થયેલાં જ છે પણ રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે બંધારણીય જોગવાઈઓને અવગણે છે અને ગંદુ રાજકારણ રમે છે તેના કારણે વણજોઈતા વિવાદો ઊભા થાય છે. રાજ્યપાલો અને રાષ્ટ્રપતિની સત્તા અંગેનો વિવાદ પણ એ જ પ્રકારનો વિવાદ છે. રાજકારણીઓએ થોડી સમજદારી બતાવીને વર્ત્યા હોત તો આ વિવાદ ના સર્જાય પણ કમનસીબે સાવ બાલિશ અને હલકી માનસિકતા ધરાવતા નેતાઓને સમજદારીમાં રસ જ નથી તેથી વણજોઈતો વિવાદ પેદા થઈ ગયો છે.

આ વિવાદમાં સૌથી કઠે એવી બાબત એ છે કે, દેશનાં બંધારણીય વડાં મનાતાં રાષ્ટ્રપતિ તેમાં ઘસડાયાં છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પોતે ગૌરવપૂર્ણ રીતે વર્તીને આ વિવાદથી દૂર રહી શક્યાં હોત અને આ વિવાદને શાંત પાડી શક્યાં હોત. તેના બદલે તેમણે સુપ્રીમ કોર્ટને 14 સવાલ કરીને વિવાદને ઉગ્ર બનાવ્યો છે.

આ વિવાદ શરૂ થયો તેનું કારણ રાજ્યપાલોની મનમાની છે તેમાં બેમત નથી. તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ તમિલનાડુ સરકારનાં બિલો રોકી રાખ્યાં તેની સામે તમિલનાડુ સરકાર સુપ્રમ કોર્ટમાં ગઈ ને સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ રવિને તતડાવી નાંંખ્યા તેમાંથી આ વિવાદ શરૂ થયો. સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલના રોજ ચુકાદો આપેલો કે, રાજ્યપાલ પાસે વીટો પાવર નથી અને રાજ્યપાલને વિધાનસભાએ પસાર કરેલાં બિલોને રોકી રાખવાનો કોઈ અધિકાર નથી.

સુપ્રીમ કોર્ટે તો રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવતાં બિલો અંગે રાષ્ટ્રપતિએ કેટલા સમયમાં નિર્ણય લેવો તેની સમયમર્યાદા પણ નક્કી કરી તેમાં બબાલ થઈ જ ગઈ હતી ત્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા પર સવાલ ઉઠાતાં વિવાદ આગળ વધ્યો હતો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેન્દ્ર સરકારની સલાહને અનુસરીને 13 મે, 2025ના રોજ બંધારણની કલમ 143 હેઠળ સુપ્રીમ કોર્ટને 14 સવાલ પૂછ્યા હતા.

રાષ્ટ્રપતિ મુર્મૂએ એક વીડિયોમાં સવાલ પણ કર્યો છે કે, બંધારણમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમય મર્યાદા નક્કી કરવાની કોઈ જોગવાઈ નથી તો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમય મર્યાદા કેવી રીતે નક્કી કરી શકે?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં સવાલ કર્યો છે પણ ખરેખર તેમણે એ સવાલ કરવો જોઈએ કે રાજ્યપાલો રાજ્યોની વિધાનસભાએ પસાર કરેલાં બિલોને અચોક્કસ મુદત માટે કઈ રીતે રોકી રાખી શકે? બિન-ભાજપ શાસિત રાજ્યોની વિધાનસભાઓએ પસાર કરેલાં બિલોને પાંચ-સાત વર્ષ સુધી રોકી રાખવામાં આવ્યાં હોય એવા કિસ્સા છે.

આ અંગે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆતો પણ કરાઈ પણ રાષ્ટ્રપતિએ બિન-ભાજપ શાસિત રાજ્યોની રજૂઆતોને સાંભળી જ નથી. ખરેખર તો રાષ્ટ્રપતિએ એ વખતે જ રાજ્યપાલોને વિધાનસભાઓએ પસાર કરેલાં બિલો અંગે ત્વરિત નિર્ણય લેવા માટે આદેશ આપવો જોઈતો હતો કેમ કે લોકશાહીમાં ચૂંટાયેલી પાંખ સર્વોપરી છે, રાજ્યપાલ નહીં. રાષ્ટ્રપતિએ પોતાની બંધારણીય ફરજ બજાવીને રાજ્યપાલોને પોતાની મર્યાદાનું ભાન કરાવવાનમી જરૂર હતી. તેના બદલે એ મૌન રહ્યાં તેથી રાજ્યો સુપ્રીમ કોર્ટમાં ગયાં અને સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો.

સુપ્રીમ કોર્ટે માત્ર રાજ્યપાલો જ નહીં પણ રાષ્ટ્રપતિ માટે પણ સમયમર્યાદા નક્કી કરી નાખી. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને આદેશ આપવો પડે તેમાં રાષ્ટ્રપતિના હોદ્દાનું ગૌરવ ચોક્કસ નથી પણ રાષ્ટ્રપતિ રાજ્યપાલો દ્વારા કરાતી મનમાની અને ચૂંટાયેલી સરકારોની ઉપેક્ષા સામે ચૂપ રહ્યાં તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એવો વાંધો ઉઠાવાયો છે કે, બંધારણમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમય મર્યાદા નક્કી કરવાની કોઈ જોગવાઈ નથી તો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમય મર્યાદા નક્કી ના કરી શકે. ટેક્નિકલી આ મુદ્દો સાચો હોઈ શકે પણ લોકશાહીના સિદ્ધાંતોને અનુરૂપ નથી. વિધાનસભાએ પસાર કરેલા બિલને કેટલા સમયમાં મંજૂરી આપવી જોઈએ એ સવાલ મુખ્ય છે. રાષ્ટ્રપતિ પોતે કે રાજ્યપાલો પણ આ સવાલનો જવાબ આપતાં નથી અને બંધારણની જોગવાઈની વાત કર્યા કરે છે.

આપણ વાંચો:  તંદુરસ્તી-મનદુરસ્તી : મનમાં સતત વહેતો વિચારોનો પ્રવાહ આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ છે

સ્ટાલિને આ મુદ્દાનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરવા માંડ્યો છે કેમ કે તેમણે સીધો ભાજપ પર પ્રહાર કર્યો છે. સ્ટાલિને પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, કેરળ, ઝારખંડ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો તેમાં લખ્યું છે કે, ભાજપ સરકારે રાષ્ટ્રપતિને સંદર્ભ માંગવા મજબૂર કર્યાં એ ભાજપ સરકારના ખરાબ ઇરાદા દર્શાવે છે તેથી હું બધા બિન-ભાજપ શાસિત રાજ્યોને રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવેલા રેફરન્સનો વિરોધ કરવાની અપીલ કરું છું. સ્ટાલિને તો એવી પણ અપીલ કરી છે કે, આપણે બધાંએ સાથે મળીને કાનૂની રણનીતિ બનાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આર્પેલા ઐતિહાસિક ચુકાદામાં આપણી વાતને સ્વીકારી છે ત્યારે બંધારણના મૂળભૂત માળખાના રક્ષણ માટે એક મોરચો બનાવવો જોઈએ.

સ્ટાલિનના મુદ્દાને મોટા ભાગના બિન-ભાજપ શાસિત રાજ્યોનો ટેકો મળશે તેમાં શંકા નથી કેમ કે બિન ભાજપ શાસિત રાજ્યોની સરકારોને એવું લાગે જ છે કે, કેન્દ્ર સરકાર વિપક્ષ શાસિત રાજ્યોના કામકાજમાં અવરોધ ઊભો કરવા માટે રાજ્યપાલોનો ઉપયોગ કરે છે. રાજ્યપાલો બિલોને મંજૂરી આપવામાં વિલંબ કરે છે. મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર નિમણૂકોમાં દખલ કરે છે અને શૈક્ષણિક સંસ્થાઓનું રાજકીયકરણ કરવા માટે યુનિવર્સિટીના કુલપતિ તરીકેના પોતાના પદનો દુરુપયોગ કરે છે.

આ માન્યતાઓ સાવ ખોટી પણ નથી એ જોતાં નવા રાજકીય જંગનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button