તરોતાઝા

આરોગ્ય પ્લસ : ઉપવાસ કરતા પહેલા અને પછી…જાણો આ મહત્વની વિગતો

સ્મૃતિ શાહ-મહેતા

આ અગાઉ આપણે ‘ઉપવાસ’ના અનેકવિધ પાસાં જોઈ ગયાં આ વખતે જાણી લઈએ ઉપવાસ વિશે થોડી અજાણી, છતાં ઉપયોગી વાત, જેમકે…

ઉપવાસની આગલી સાંજે શું જમી શકાય?
અનાજ: રોટલી, ખીચડી અથવા થૂલી, વાત-પિત્તશામક શાકો (દૂધી, પરવળ, તૂરિયાં વગેરે…)
પ્રવાહી: માપસરનું દૂધ, મીઠા વગરની છાશ, સરગવાનું સૂપ વગેરે…
ગોળ: 1-2 ગાંગડી ત્રણેય દોષોને નિયંત્રિત રાખે છે.

નોંધ::
ઉપવાસના આગલા દિવસે જેટલા ઓછા મસાલા અને આછા મીઠાવાળો આહાર હોય એટલો ઉપવાસ સહેલાઈથી થઈ શકે છે. (વધુ પડતું મીઠું સ્વપ્નદોષ કરાવી શકે છે.)

ઉપવાસ છોડ્યા પછી રાખવાની સાવધાની:
જ્યારે આપણે ઉપવાસ છોડતા હોઈએ ત્યારે ખૂબ જ ભૂખ લાગેલી હોય છે. પરંતુ તે સમયે મન ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક છે. ઘણીવાર તે સમયે નિયંત્રણ ગુમાવીને ગમે તે વસ્તુઓ, ગમે તેટલા પ્રમાણમાં ખાઈ લઈએ છીએ. આથી ઉપવાસના ફાયદાઓથી વંચિત રહીએ છીએ અને ઊલટાનું નુકસાન થાય છે.

  • ઉપવાસ છોડતી વખતે સાવધાની ન રાખવાથી પાચનતંત્ર પર ખૂબ જ લોડ આવે છે, શરીરમાં થકાન, ઊંઘ અને આળસ
    વધી શકે છે માટે ઉપવાસની તમામ ભૂખ એકસાથે જ પૂરી ન કરતા ધીરે-ધીરે ભૂખ સંતોષવી.

ઉપવાસ કોણે કરવો?

1) જેને કફ સંબંધી અનેક રોગ થયા હોય.
જેને કાયમી શરદી, કફ, ઉધરસ રહેતા હોય અને છાતી-ફેફસામાં કફ ચોંટી જતો હોય તેમના માટે તો ઉપવાસ જ તેની દવા છે.

2) જેના શરીરમાં ‘આમદોષ’ વધી ગયો હોય.
આપણે જે કાંઈ પણ રોજ જમીએ છીએ, તો ભોજન બધાને સંપૂર્ણ પચતું હોતું નથી. આવા અર્ધપક્વ ખોરાકને આયુર્વેદની ભાષામાં ‘આમ’ કહેવાય છે. તે કફ જેવો ચીકણો પદાર્થ હોય છે. આયુર્વેદમાં આ આમદોષને ભયંકર ઝેર જેવો ગણેલ છે. માટે જેને અહીં દર્શાવેલાં મુજબના આમદોષોનાં લક્ષણો મળતા હોય એમણે અવશ્ય ઉપવાસ કરવો.

ઉપવાસ કોણે ન કરવો?

  • વધુ પડતા દૂબળા, પાતળા અને અશક્ત વ્યક્તિઓએ
  • ડાયાબિટીસના દર્દીઓએ
  • સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન જેવા માનસિક રોગોવાળા દર્દીઓએ
  • નાનાં બાળકો (8 વર્ષથી નીચે) અને અતિશય વૃદ્ધ (75 વર્ષથી ઉપર) માણસોએ
  • અનિદ્રાના દર્દીઓએ
  • વધુ પડતા વાયુદોષના દર્દીઓએ
  • વધુ પડતા પિત્તદોષના એસિડિટી, અલ્સર, માઈગ્રેન વગેરે રોગવાળા દર્દીઓએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button