અમદાવાદટોપ ન્યૂઝ

ચંડોળા ડિમોલિશન પાર્ટ-2ની આજથી શરૂઆત, અંદાજે 8000 કાચા પાકા મકાન દૂર કરાશે…

અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ ડિમોલિશનના બીજા તબક્કાની આજથી શરૂઆત થઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈસનપુર વિસ્તારમાં આવેલી સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા નાના મોટા કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા હતા.

આ કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ કર્મચારી-ઓફિસરનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. ઉપરાંત 25 એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. 2.50 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરવામાં આવશે. 50 જેસીબી અને હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું કે, બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે. ચંડોળા તળાવની આસપાસ રહેતા 200થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

ચંડોળા તળાવ બે ભાગમાં વહેંચાયેલું છે. છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ. હાલ છોટા ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. છોટા ચંડાળ તળાવ ઈસનપુર વિસ્તારમાં આવેલું છે અને અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ઈસનપુર સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફ જતા રોડ પર આ વિસ્તાર આવેલો છે.

અમદાવાદનો ઐતિહાસિક વારસો ગણાતા ચંડોળા તળાવનો આખો નકશો માત્ર 14 વર્ષમાં બદલાઈ ગયો હતો. 2010માં, ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતા અનોખી હતી. પરંતુ 2025 માં, એટલે કે 14 વર્ષ પછી, અહીંનું ચિત્ર બદલાઈ ગયું હતું. હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે દબાણ છે. બાંગ્લાદેશીઓએ મોટા પાયે આ વિસ્તારમાં કબજો કર્યો હતો.

ચંડોળામાં 2010ની પોલિસી મુજબ ગરીબ અને નબળા વર્ગના લોકો માટે આવાસ ફાળવવામાં આવશે. આ યોજના હેઠળ, જે લોકો 2010 પહેલાથી ચંડોળામાં રહેતા હતા, તેમને મકાન ફાળવવામાં આવશે. મકાનોની ફાળવણી કરતા પહેલા એક વિગતવાર સર્વે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે.

આપણ વાંચો : ચંડોળા તળાવ મુદ્દે મહત્વના સમાચાર; 2010 ની નીતિ અનુસાર વૈકલ્પિક આવાસ ફાળવવાનો નિર્ણય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button