‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ની અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કામ માંગ્યું

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘જમાઈ રાજા’, ‘સ્વાભિમાન’, ‘ઝાંસી કી રાની’ જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી અંચિત કૌર આજકાલ ફરી એકવાર ચર્ચામાં છે. અંચિત કૌરે અનેક ટીવી સિરિયલોમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ તાજેતરમાં કામના અભાવને લઈ નવા કામ માટે સોશિયલ મીડિયા પર કામ માગીને સૌને ચોંકાવ્યા છે.
જોકે, અભિનેત્રી લાંબા સમયથી નાના પડદાથી દૂર છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેણે કામ માટે અપીલ કરી છે. ટીવી અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કામ માંગતી જોવા મળે છે. આ સાથે તેણે તે કેવું કામ કરી શકે છે તે વિશે પણ જણાવ્યું છે. એટલું જ નહીં, તેણે પોતાના મેનેજરની પણ વિગતો શેર કરી છે.
આ પણ વાંચો: કોરોના રિટર્નઃ ‘બિગ બોસ’ ફેમ શિલ્પા શિરોડકર કોવિડથી સંક્રમિત
અંચિતે વીડિયોમાં કહ્યું છે કે ‘નમસ્તે.’ મને આશા છે કે તમે કુશળ હશો, હું આ દિલથી બોલી રહી છું. હું એક અભિનેત્રી અને વોઇસ આર્ટિસ્ટ છું, જેને અનેક પ્લેટફોર્મ પર કામ કરવાનો અનુભવ છે અને હાલમાં હું સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી અને રોમાંચક તકોની શોધમાં છું. હું શોર્ટ ફિલ્મ, ફિલ્મ, સિરીઝ, દરેક પ્રકારનું વોઇસ વર્ક અને સોશિયલ મીડિયા સાથે જોડાવા તૈયાર છું. હું કોઈ ક્રિયેટિવ કામ કરવા માંગુ છું.
આ પણ વાંચો: ઉર્વશી રાઉતેલા કાન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ફાટેલા કપડા સાથે ગઈ?! જૂઓ વીડિયો
જો તમે અથવા તમારા કોઈ પરિચિત કોઈ કાસ્ટિંગ ડિરેક્ટરને ઓળખતું હોય અથવા મારી સાથે જોડાવા તૈયાર હોય, તો કૃપા કરીને મને જણાવો, હું તેમની સાથે જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ સાથે, મેં મારી મેનેજર તનુજા મહેરા અને સોશિયલ મીડિયા મેનેજર રેવા ખરે શર્માની વિગતો આપી છે. મને સાંભળવા અને હંમેશા મને ટેકો આપવા બદલ ખૂબ ખૂબ આભાર.’
તમને જણાવી દઈએ કે અંચિત કૌરે ‘કિટ્ટી પાર્ટી’, ‘કહાની ઘર ઘર કી’, ‘જમાઈ રાજા’ અને અન્ય ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. તે ‘હોન્ટિંગ 3D’, ‘હિરોઈન’, ‘2 સ્ટેટ્સ’ અને ‘કલંક’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તેને ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં મંદિરાના રોલ માટે અને ‘કહાની ઘર ઘર કી’માં પલ્લવીના રોલ માટે ઘણી પ્રશંસા મળી હતી.