કોરોના રિટર્નઃ ‘બિગ બોસ’ ફેમ શિલ્પા શિરોડકર કોવિડથી સંક્રમિત
સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ચેપ ફેલાઈ રહ્યો છે?

છેલ્લા એક મહિનામાં સિંગાપોર-હોંગકોંગ અને ચીન સહિત ઘણા દેશોમાં કોરોના ચેપના કેસોમાં ફરી વધારો થયો હોવાના અહેવાલો છે. હવે ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. મીડિયાના અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ કોરોનાથી સંક્રમિત થયો છે. હવે આજે બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકર પણ કોવિડનો શિકાર હોવાનું જાણવા મળ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં શિલ્પાએ લખ્યું, “નમસ્તે મિત્રો! મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સુરક્ષિત રહો અને માસ્ક પહેરો!”
દક્ષિણપૂર્વ એશિયામાં કોરોનાના કેસોની વધતી સંખ્યા ચિંતાજનક છે,આરોગ્ય નિષ્ણાતો કોવિડના કેસોમાં વધારા પર નજીકથી નજર રાખી રહ્યા છે. એવા સમયે શિલ્પા કોરોનાથી સંક્રમિત થઇ છે. હાલમાં, સિંગાપોર એક નવા હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ફક્ત એક અઠવાડિયામાં ચેપના કેસોમાં 28 ટકાથી વધુનો વધારો થયો છે. ચીનથી આવી રહેલી માહિતી મુજબ છેલ્લા એક મહિનામાં અહીં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. હવે શિલ્પા શિરોડકર કોવિડ પોઝિટિવ થતા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું ભારતમાં પણ ચેપ વધી રહ્યો છે?
આ પણ વાંચો: કોરોનાનો ખતરો ટળ્યો નથી! ચીન સહિત એશિયાનાં આ દેશોમાં ફરી વધી રહ્યા છે કેસ, ભારતે રહેવું પડશે સાવધાન!
ભારતમાં કોરોનાના 257 સક્રિય કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર દેશમાં હાલમાં કોરોનાના 257 સક્રિય કેસ છે. રોગચાળાની શરૂઆતથી, અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે, જેમાંથી 5.33 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં, 220 કરોડ લોકોને (બે-ત્રણ ડોઝ સહિત) કોરોનાથી બચવા માટે રસી આપવામાં આવી છે. જો આપણે સિંગાપોર-હોંગકોંગમાં વધતા કેસોના અહેવાલો પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે અહીં લોકો મુખ્યત્વે LP.8.1 વેરિઅન્ટને કારણે ચેપગ્રસ્ત થઈ રહ્યા છે, જે ઓમિક્રોનનું એક સ્વરૂપ છે. ઓમિક્રોન અને તેના ઘણા પેટા પ્રકારો છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યા છે.
કોરોનાના સંક્રમણને લઈ એશિયન દેશ એલર્ટ
આરોગ્ય નિષ્ણાતોના કહ્યા મુજબ, કોરોનાના વધતા કેસોને કારણે આ દિવસોમાં ઘણા એશિયન દેશો એલર્ટ પર છે, તેથી ભારતમાં પણ ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. જોકે, અહીં ચેપના કેસમાં કોઈ નોંધપાત્ર વધારો થયો હોવાના કોઈ અહેવાલ નથી. સમય જતાં લોકોના શરીરમાં રસીકરણ દ્વારા વિકસિત રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે અને વાયરસ સતત આપણી વચ્ચે છે, તેથી તે ફરીથી વધવાના સમાચારો આવી રહ્યા છે.
રોગપ્રતિકારક શક્તિ વધારીને વધુ સુરક્ષા મળે
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં LP.8.1ની સાથે LF.7 અને NB.1.8 (બંને JN.1 વેરિઅન્ટના પરિવર્તિત સ્વરૂપો) મુખ્ય રીતે જોવા મળી રહ્યા છે, જે બે તૃતીયાંશ કરતાં વધુ કેસ માટે જવાબદાર છે. ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ JN.1ને ધ્યાનમાં રાખીને અપડેટેડ કોવિડ રસીઓ બનાવવામાં આવી રહી છે, જેથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને વધારાની સુરક્ષા આપી શકાય.
નિષ્ણાતો શું કહે છે?
તબીબી અહેવાલો દર્શાવે છે કે એશિયન દેશોમાં ચેપ વધવાની સાથે, હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ વધારો થયો છે. ગંભીર હાલતમાં રહેલા લોકો મરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. અધિકારીઓએ લોકોને ડૉક્ટરની સલાહ પર અપડેટેડ રસી લેવાની સલાહ આપી છે. વૃદ્ધો અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને પહેલાથી જ વાર્ષિક ધોરણે COVID-19 રસી લેવાની સલાહ આપવામાં આવે છે.