ભારતને શહેરી વિકાસ માટે ૪૦ કરોડ ડૉલરની લૉન
નવી દિલ્હી: શહેરી વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતી માળખાકીય સુવિધાઓ અને અસરકારક વહીવટી યંત્રણા ઊભી કરવાના ભારત સરકારના એજન્ડાને ટેકો આપવા એશિયન ડૅવલપમેન્ટ બૅન્ક (એડીબી) ૪૦ કરોડ ડૉલરની લૉન આપશે.
અર્બન લોકલ બૉડી (યુએલબી)ની ક્ષમતા વધારવાની સાથે સાથે સંપૂર્ણ કાયદાકીય યંત્રણા, નિયામક અને સંસ્થાકીય સુધારા મારફતે સુનિયોજિત શહેરીકરણ કરવાનો અને લોકોમાં જાગૃતિ
આણવાનો આશય હોવાનું એડીબીએ કહ્યું હતું.
નીતિ આધારિત વિકાસ માટે એડીબીએ ૪૦ કરોડની લૉનને મંજૂરી આપી છે.
શહેરી વિસ્તારમાં ખાતરીપૂર્વકની જાહેર સેવા, અસરકારક વહીવટી યંત્રણા અને ઉચ્ચ સ્તરની માળખાકીય સુવિધા મારફતે શહેરી જીવનની ગુણવત્તા સુધારવાના ભારત સરકારના એજન્ડાને ટેકો આપવા ૪૦ કરોડની લૉનને મંજૂરી આપી હોવાનું એડીબીએ કહ્યું હતું.
પ્રથમ તબક્કામાં સબ પ્રોગ્રામ વન અંતર્ગત શહેરી સેવામાં સુધારો લાવવા રાષ્ટ્રીય સ્તરની નીતિ અને માર્ગદર્શિકા તૈયાર કરવાની વર્ષ ૨૦૨૧માં મંજૂરી આપવામાં આવી હતી.
બીજા તબક્કામાં સબ પ્રોગ્રામ ટૂ અંતર્ગત રોકાણના આયોજનને તેમ જ રાજ્ય અને નગરપાલિકા સ્તરે સુધારાને ટેકો આપવામાં આવશે.
ભારત આર્થિક વિકાસના કેન્દ્ર બની શકે તેવા શહેરોને ઓળખી કાઢ્યા છે અને એડીબી સ્ટ્રટેજી ૨૦૩૦ના ધોરણે આ શહેરોનો સર્વસમાવેશક, ટકાઉ અને લાંબાગાળાનો વિકાસ કરી વધુ સારી રીતે જીવવા લાયક બનાવવા પર ભાર મૂકવામાં આવશે, એમ એડીબીના પ્રિન્સિપલ અર્બન ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ સંજય જોશીએ કહ્યું હતું. (એજન્સી)