નેશનલ

શાળાના પાઠ્યપુસ્તકોમાં હવે ‘ઇન્ડિયા’ નહીં ‘ભારત’ લખાશે

એનસીઇઆરટી પેનલે કરી ભલામણ

નવી દિલ્હી: શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરવા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા રચવામાં આવેલી સામાજિક વિજ્ઞાન માટેની ઉચ્ચ-સ્તરીય સમિતિએ તમામ વર્ગો માટે શાળાના પાઠ્યપુસ્તકોમાં “ઇન્ડિયાને સ્થાને “ભારત લખવાની ભલામણ કરી છે.

સમિતિના અધ્યક્ષ સી આઈ ઇસાકના જણાવ્યા અનુસાર, પેનલે પાઠ્યપુસ્તકોમાં “ઇન્ડિયા નામની જગ્યાએ “ભારત લખવાનું સૂચન કર્યું છે, દરેક વિષયના અભ્યાસક્રમમાં “પ્રાચીન ઈતિહાસ ને બદલે “શાસ્ત્રીય ઈતિહાસ લખવાનું અને ભારતીય જ્ઞાન પ્રણાલીનો
સમાવેશ કરવાનું સૂચન કર્યું છે.

જોકે એનસીઇઆરટી અધિકારીઓએ જણાવ્યું હતું કે પેનલની ભલામણો પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

તેમણે કહ્યું કે સમિતિએ પાઠ્યપુસ્તકોમાં વિવિધ લડાઈઓમાં “હિન્દુ વિજયો” ને મહત્વ આપવાની પણ ભલામણ કરી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચના સભ્ય પણ રહેલા ઇસાકે જણાવ્યું હતું કે, “હાલમાં પાઠ્યપુસ્તકોમાં આપણી નિષ્ફળતાઓનો ઉલ્લેખ છે. પરંતુ મોગલો અને સુલતાનો પરની આપણી જીતનો ઉલ્ેલેખ નથી. એનસીઇઆરટી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ને અનુરૂપ શાળાના પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમમાં સુધારો કરી રહી છે. કાઉન્સિલે તાજેતરમાં અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષણ સામગ્રીને અંતિમ સ્વરૂપ આપવા માટે ૧૯ સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિની રચના કરી છે.

સમિતિએ તમામ વિષયોના અભ્યાસક્રમમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ દાખલ કરવાની પણ ભલામણ કરી છે, ઇસાકે જણાવ્યું હતું.

સમિતિના અન્ય સભ્યોમાં આઈસીએચઆરના અધ્યક્ષ રઘુવેન્દ્ર તંવર, વંદના મિશ્રા, પ્રોફેસર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી , ડેક્કન કૉલેજ ડીમ્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર વસંત શિંદે અને હરિયાણાની સરકારી શાળામાં સમાજશાસ્ત્ર ભણાવતા મમતા યાદવનો સમાવેશ થાય છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button