ત્રિરંગા યાત્રાની ઉજવણીઓ ખોટી
મનસે નેતા અમિત ઠાકરેએ વડા પ્રધાન મોદીને ઓપરેશન સિંદૂર પર રાજકીય ઉજવણીઓ પર રોક લગાવવાની વિનંતી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપની ત્રિરંગા યાત્રા અને કોંગ્રેસની આગેવાની હેઠળની જય હિંદ સભાના કાર્યક્રમોની પરોક્ષ ટીકા કરતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા અમિત ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ ઓપરેશન સિંદૂર પછી રાજકીય પક્ષોને ઉજવણી રેલીઓ યોજવાથી પરાવૃત કરે.
વડા પ્રધાનને સંબોધિત પત્રમાં અમિત ઠાકરેએ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી તાજેતરમાં થયેલી લશ્કરી કાર્યવાહી દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનની પ્રશંસા કરી હતી. જો કે, તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ સૂચવે છે કે યુદ્ધવિરામને વિજય ન સમજવો જોઈએ.
આપણ વાંચો: હવે કોંગ્રેસની 21 મેના રોજ મહારાષ્ટ્રમાં ‘ત્રિરંગા યાત્રા’
‘આ વિજય નથી, પરંતુ ફક્ત યુદ્ધવિરામ છે. તેની ઉજવણી કરવી યોગ્ય રહેશે નહીં,’ એમ અમિત ઠાકરેએ લખ્યું હતું, તેણે વડા પ્રધાનને અપીલ કરી હતી કે રાજકીય પક્ષો જાહેર ઉજવણી રેલીઓ યોજવાનું ટાળવા જણાવવામાં આવે.
ભાજપ ઓપરેશન સિંદૂરની યાદમાં ત્રિરંગા યાત્રાઓનું આયોજન કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસે ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને સફળતાને માન આપવા માટે 20 મેથી 30 મે સુધી ‘જય હિંદ’ સભાઓની રાષ્ટ્રવ્યાપી શ્રેણીની જાહેરાત કરી છે.
આપણ વાંચો: ગુજરાતમાં આવતીકાલથી શરુ થશે ‘હર ઘર તિરંગા અભિયાન’
વડા પ્રધાન મોદીના નેતૃત્વ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તેમના નિર્ણયોની પ્રશંસા કરતા અમિત ઠાકરેએ ભારપુર્વક જણાવ્યું હતું કે રાજકીય ધ્યાન સૈનિકો અને તેમના પરિવારોના મનોબળને વધારવા પર કેન્દ્રિત હોવું જોઈએ, જાહેર ઉજવણીમાં સામેલ થવાને બદલે.
‘જો કંઈ કરવાનું હોય, તો તેમાં સતર્ક રહેવું, આપણા સૈનિકોના પરિવારોને ટેકો આપવો અને પરિસ્થિતિ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવવી જોઈએ, તેને તમાશો ન બનાવવો,’ એમ પત્રમાં જણાવાયું છે. હાલ સુધી, ભાજપ કે કોંગ્રેસ નેતૃત્વ બંનેએ ઠાકરે જુનિયરના પત્રનો જવાબ આપ્યો નથી.