અમદાવાદ

અમદાવાદનું ચંડોળા તળાવ ગેરકાયદે બાંગ્લાદેશીઓનો અડ્ડો, ડિમોલિશનનો બીજો રાઉન્ડ આવતીકાલથી

અમદાવાદ: ગેરકાયદે બાંગ્લાદેશીઓનો અડ્ડો બની ગયેલા અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. ચંડોળા તળાવ પરના ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તારીખ 20મી મે, મંગળવારથી ડિમોલિશનની કામગીરીનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. આ કામગીરીને પગલે તળાવ વિસ્તારમાં રહેતા તમામ લોકોને તેમના મકાનો ખાલી કરી દેવાની સૂચના આપવામાં આવી છે અને તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે.

AMCએ બીજા તબક્કા માટે સર્વે હાથ ધર્યો હતો

ડિમોલિશનના પ્રથમ તબક્કા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બીજા તબક્કા માટે સર્વે હાથ ધર્યો હતો જેમાં 8,000 ગેરકાયદેસર બાંધકામો મળી આવ્યા હતા અને તેમને ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આથી હવે આવતીકાલે મંગળવારથી 3 દિવસ માટે આ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પૂર્વે 29-30 એપ્રિલના રોજ ડિમોલિશનના પ્રથમ તબક્કાની કાર્યવાહીમાં 4 હજાર ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

ચંડોળા તળાવનું બીજા તબક્કાનું મેગા ડિમોલેશન

આવતીકાલથી ચંડોળાનુ બીજા તબક્કાનું મેગા ડિમોલેશનની કાર્યવાહીનો આરંભ કરવામાં આવશે. ડિમોલિશનની કાર્યવાહીની પૂર્વતૈયારી રૂપે પોલીસ કમિશનરે ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી સાથે ચર્ચા થઈ હતી અને આ દરમ્યાન રાજ્ય સરકારે ચંડોળા તળાવનાં ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે મંજૂરી આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ચંડોળા તળાવના વિસ્તારમાં આશરે 10,000 જેટલા નાના-મોટા કાચાં અને પાકાં મકાનો તેમજ ઝૂંપડાઓ આવેલા છે. અગાઉ વર્ષ 2010 પહેલાં તળાવ વિસ્તારમાં રહેતા લોકોને વૈકલ્પિક મકાનો આપવા માટે ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા હતા.

અધિકારીઓને ચોક્કસ ફરજો સોંપવામાં આવી

આ મહત્વપૂર્ણ કામગીરીને સફળ બનાવવા માટે એસ્ટેટ વિભાગ, ફાયર વિભાગ, JDM સેન્ટ્રલ વર્કશોપ, AMTS, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સિટી ઈજનેર (સિવિલ), હેલ્થ વિભાગ, ફૂડ વિભાગ, મેડિકલ હેલ્થ ઓફિસર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, પબ્લિસિટી વિભાગ, એડિશનલ સિટી ઈજનેર અને સિટી ઈજનેર (વોટર રિસોર્સ), UCDના ડાયરેક્ટર, એડિશનલ સિટી ઈજનેર (લાઈટ) સહિત વિવિધ વિભાગોના વડા અધિકારીઓને ચોક્કસ ફરજો અને જવાબદારીઓ સોંપવામાં આવી છે.

14 વર્ષમાં બદલાઈ ગયો ચંડોળા તળાવનો નકશો

અમદાવાદનો ઐતિહાસિક વારસો ગણાતા ચંડોળા તળાવનો આખો નકશો માત્ર 14 વર્ષમાં બદલાઈ ગયો હતો. 2010માં, ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતા અનોખી હતી. પરંતુ 2025 માં, એટલે કે 14 વર્ષ પછી, અહીંનું ચિત્ર બદલાઈ ગયું હતું. હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે દબાણ છે. બાંગ્લાદેશીઓએ મોટા પાયે આ વિસ્તારમાં કબજો કર્યો હતો.

આ પણ વાંચો….ચંડોળા તળાવ મુદ્દે મહત્વના સમાચાર; 2010 ની નીતિ અનુસાર વૈકલ્પિક આવાસ ફાળવવાનો નિર્ણય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button