નેશનલ

સંભલ મસ્જિદ કમિટીને ઝટકોઃ અલાહાબાદ હાઈ કોર્ટે રિવિઝન પિટિશન ફગાવી

અલાહાબાદઃ સંભલની જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ મુદ્દે અલાહાબાદ હાઈ કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપ્યો. હાઈ કોર્ટે રિવિઝન પિટિશનને ફગાવતા સર્વેનો માર્ગ મોકળો બન્યો છે. અલાહાબાદ હાઈ કોર્ટેમાં જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.

અલાહાબાદ હાઈ કોર્ટના ચુકાદાને કારણે સર્વેનો માર્ગ મોકળો બની ગયો છે. મસ્જિદ કમિટીએ 19 નવેમ્બર 2024ના સિવિલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સર્વેના આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

મસ્જિદ કમિટીએ હાઈ કોર્ટમાં સિવિલ રિવિઝનની અરજી કરી હતી. હાઈ કોર્ટના ચુકાદાથી સંભલ સ્થિત શાહી મસ્જિદમાં સર્વે કરવાનું નિશ્ચિત થઈ ગયું છે. કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલો નામંજૂર કરીને ચુકાદો આપ્યો હતો. કોર્ટમાં વકીલ વિષ્ણુશંકર જૈને એક્સ પર લખ્યું હતું કે સંભલ મુદ્દે મસ્જિદ પક્ષની અરજીને ફગાવવામાં આવી છે. દલીલમાં એવું પણ જણાવાયું હતું કે કોર્ટ એકતરફી સર્વે કમિશનર નિમણૂક કરી શકે નહીં. સ્ટે હટાવવામાં આવે છે.

નીચલી કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં સંભલ મસ્જિદના સર્વે કરવા માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરી હતી. બીજી બાજુ મસ્જિદ કમિટીએ હાઈ કોર્ટમાં દાવો કર્યો હતો કે નીચલી કોર્ટે મુસ્લિમ પક્ષે પોતાનો પક્ષ રજૂ કર્યા વિના એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો.

મસ્જિદ કમિટીએ સર્વેના આદેશ પર રોક લગાવવાની માગણી કરી હતી. આ કેસમાં અલાહાબાદ હાઈ કોર્ટમાં 13મી મેના દલીલો સાંભળવામાં આવી હતી અને કોર્ટમાં ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. હિંદુ પક્ષે હરિહર મંદિર હોવાનો દાવો વ્યક્ત કરતા સંભલ સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. હિંદુ પક્ષની અરજી મુદ્દે સંભલ સિવિલ કોર્ટે સર્વેનો આદેશ આપ્યો હતો.

આના પર મસ્જિદ સમિતિએ અલાહાબાદ હાઈ કોર્ટમાં સ્ટેને પડકારવામાં આવ્યો હતો. હાઈ કોર્ટે આઠમી જાન્યુઆરી, 2025થી વચગાળાનો આદેશ આપ્યો હતો અને સિવિલ કોર્ટના સર્વે ઓર્ડર પર સ્ટે મૂક્યો હતો. અગાઉ 28 એપ્રિલના સુનાવણી વખતે અલાહાબાદ હાઈ કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ને સર્વેક્ષણ પર પોતાનો જવાબ દાખલ કરવા અને 48 કલાકમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ કર્યો હતો.

આપણ વાંચો:  જાણો .. પાકિસ્તાનના ડ્રોન -મિસાઈલ હુમલામાં સુરક્ષિત અમૃતસરના સુવર્ણ મંદિરનો રસપ્રદ ઇતિહાસ

અહીં એ જણાવવાનું કે 24 નવેમ્બર 2024ના શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન સંભલમાં હિંસા થઈ હતી, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 29 પોલીસના જવાનોને ઈજા પહોંચી હતી. આ બનાવ પછી સંભલમાં પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એસઆઈટી આ કેસમાં તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button