નેશનલ

ગુજરાત, મહારાષ્ટ્રના વીજ મથકોને પૂરી ક્ષમતાએ કામ કરવા આદેશ

આયાતી કોલસાના પાવર પ્લાન્ટને ૨૦૨૪ના જૂન સુધીનો હુકમ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આયાત કરાયેલા કોલસા પર આધારિત વીજ મથકો-અદાણી પાવર મુંદરા, એસ્સાર પાવર ગુજરાત, જેએસડબ્લ્યુ રત્નાગિરિ, તાતા પાવર ટ્રોમ્બે સહિતના અનેક પાવર પ્લાન્ટને ૨૦૨૪ની ૩૦ જૂન સુધી પૂરી ક્ષમતાએ કામ કરવા આદેશ આપ્યો હતો.

દેશમાં વીજળીની માગમાં થયેલા વધારા અને સ્થાનિક કોલસાના અપૂરતા પુરવઠાને કારણે આ હુકમ કરાયો હતો.

અગાઉ ઊર્જા ખાતાએ આયાત કરાયેલા કોલસા પર આધારિત વીજ મથકોને ૩૧ ઑક્ટોબર ૨૦૨૩ સુધી પૂરી ક્ષમતા સાથે કામ કરવાનો આદેશ આપ્યો હતો.

આ વર્ષના માર્ચમાં સરકારે ઈલેક્ટ્રિસિટી ઍક્ટની ૧૧મી કલમ અંતર્ગત ઈમ્પોર્ટેડ કોલ બેઝ્ડ (આઈએસબી) પ્લાન્ટને પ્રથમવાર આદેશ આપ્યો હતો.

સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઑથોરિટી (સીઈએ) સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ સરકારે આ આદેશની સમયમર્યાદા ૩૦ જૂન ૨૦૨૪ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો, એમ ૨૩ ઑક્ટોબરે ઊર્જા ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું.

ઈલેક્ટ્રિસિટી ઍક્ટની કલમ ૧૧ હેઠળ સરકાર વીજ ઉત્પાદક કંપનીઓને જણાવી શકે કે અસાધારણ સંજોગોમાં વીજ ઉત્પાદક કંપનીઓએ સરકારના આદેશ મુજબ વીજમથકોનું સંચાલન અને જાળવણી કરવી જોઈએ.

વીજળીની વધેલી માગ, સ્થાનિક સ્તરે કોલસાના અપૂરતા પુરવઠા અને ઓછા જળ વિદ્યુતના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને
ધ્યાનમાં લેતાં આયાતી કોલસા આધારિત વીજ મથકો માટે વીજળીની માગ પ્રમાણે ઉત્પાદન કરવું ફરજિયાત હોવાનું ઊર્જા ખાતાએ કહ્યું હતું.

આ જાહેરનામું આયાત કરાયેલા કોલસા પર આધારિત વીજ મથકો અદાણી પાવર મુંદરા, એસ્સાર પાવર ગુજરાત, જેએસડબ્લ્યુ રત્નાગિરિ, તાતા પાવર ટ્રોમ્બે સહિતના અનેક પાવર પ્લાન્ટને મોકલવામાં આવ્યું હતું.

પ્રારંભમાં ૧૬ માર્ચથી ૧૫ જૂન ૨૦૨૩ માટે આ આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ આદેશ ૩૦ સપ્ટેમ્બર અને પછી ૩૧ ઑક્ટોબર ૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button