નવી મુંબઈમાં વિધાનસભ્યો, સાંસદો માટે ઘરો
નવી મુંબઈ: નવી મુંબઈના ‘ક્વીન્સ નેકલેસ’ તરીકે ઓળખાતા પામ બીચ રોડ પર મહારાષ્ટ્રના વિધાનસભ્યો અને સાંસદો માટે સિડકોએ એક વૈભવી હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું છે. એક જાન્યુઆરી ૨૦૨૦ પછી ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદો, સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટના ન્યાયાધીશો, આઇએએસ, આઇપીએસ અધિકારીઓ પણ આ પ્રોજેક્ટમાં ઘર ખરીદી શકશે. ૧૨૭૯થી ૧૮૦૦ ચોરસ ફૂટ સુધીના આ મકાનોની વેચાણ કિંમત રૂ. સવા બે કરોડથી ત્રણ કરોડ અગિયાર લાખ સુધી હશે.
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટથી ચારથી પાંચ કિલોમીટર દૂર, બેલાપુર અને વાશી વચ્ચેનો પામ બીચ રોડ, શરૂઆતથી જ મોંઘા મકાનો માટેનું કેન્દ્ર રહ્યું છે. થોડાં વર્ષો પહેલાં સિડકોએ બિનનિવાસી ભારતીયો માટે આ રોડની બાજુમાં એક મોટો પ્રોજેક્ટ ઊભો કર્યો હતો, જેની એક તરફ પહોળી ખાડી છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને બેલાપુર તરફના આ રોડ પર અદ્યતન હેડક્વાર્ટર બનાવ્યું છે. હવે આ જ રોડ પર રાજ્યના શહેરી વિકાસ વિભાગની પરવાનગીથી સિડકો વિધાનસભ્યો, સાંસદો સહિત મહત્ત્વની વ્યક્તિઓ માટે આવાસના પ્રોજેક્ટ બનાવી રહી છે.
માર્ચ ૨૦૨૨માં, વિધાન પરિષદના તત્કાલિન અધ્યક્ષ રામરાજે નિંબાળકરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે સિડકોએ મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ માટે લોટરી દ્વારા વેચાણ માટે આ રીતે મકાનો બાંધવા જોઈએ. સિડકોને તેના માટે જરૂરી નીતિ તૈયાર કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. આ મુજબ, સિડકોએ જૂન ૨૦૨૨માં પ્લોટ નંબર ૨૯, સેક્ટર ૧૫એ, પામ બીચ રોડ ખાતે ૮૭૫ મકાનોના આ પ્રોજેક્ટની સ્થાપના માટે વિશેષ નીતિને મંજૂરી આપી હતી. જેમાં ૯૨૦ ચોરસ ફૂટ (કાર્પેટ)ના ૨૦૦ મકાનો, ૧,૦૨૦ ચોરસ ફૂટના ૧૫૦, ૧,૨૭૯ ચોરસ ફૂટના ૧૫૦ અને ૧,૪૫૦ ચોરસ ફૂટના ૧૭૫ મકાનો બનાવવાનું નક્કી કરાયું હતું. આ સિવાય ૧,૮૦૦ ચો.ફૂટના ચાર બેડરૂમવાળા સૌથી મોટા ૨૦૦ ઘરો પણ આ પ્રોજેક્ટમાં બનાવવાના હતા.
પામ બીચ રોડ પર અલગ-અલગ બિલ્ડરો દ્વારા બાંધવામાં આવતા પ્રોજેક્ટમાં મકાનોની કિંમતો સિડકો દ્વારા નક્કી કરાયેલા મકાનો કરતાં ઘણી વધારે છે.