મહારાષ્ટ્રમાં 200 થી વધુ આરોગ્ય કેન્દ્રમાં કાગડા ઉડે છે…
વીજ જોડાણ, સ્ટાફ માટે ભંડોળ જ મળ્યું નથી, મેડિકલ સેન્ટર માટેની 210 ઈમારતમાં ઘણી ખરી બંધ પડી છે

મુંબઈ: મહારાષ્ટ્રમાં 200થી વધુ નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી) અને પેટા કેન્દ્રોમાં કાગડા ઊડે છે, કારણ કે આવશ્યક પુરવઠો અને સ્ટાફ માટે ભંડોળ ફાળવવામાં નથી આવ્યું એમ જાહેર આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પીએચસી અને પેટા-કેન્દ્રો ગ્રામીણ આરોગ્ય સંભાળ વ્યવસ્થા માટે મહત્વ ધરાવે છે. મેડિકલ ઈમરજન્સી અને ગામડાઓમાં રોગચાળો ફેલાયો હોય એ દરમિયાન આ કેન્દ્રો જ રાહતના દરે સારવાર પૂરી પાડે છે. સિવાય રસીકરણ ઝુંબેશ સહિત રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો ચલાવે છે અને મહિલાઓ અને બાળકોને આવશ્યક સંભાળ પૂરી પાડે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં બાંધવામાં આવેલા ઘણા પીએચસી અને પેટા-કેન્દ્રો કાર્યરત નથી, કારણ કે તેમને ફર્નિચર, વીજ જોડાણ અને સ્ટાફ માટે ભંડોળ નથી મળ્યું. વિભાગે 2021થી 2025 દરમિયાન રાજ્યભરમાં 400થી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી) અને પેટા-કેન્દ્રોના નિર્માણને મંજૂરી આપી હતી, અને તેમાંથી, 210 ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ ઘણા બંધ છે. કેટલાક કિસ્સામાં તો આખેઆખી ઇમારતો લગભગ બે વર્ષથી બિનઉપયોગી રહી છે.’
વિભાગના ડેટા અનુસાર, છેલ્લા ચાર વર્ષમાં ૯૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી હતી. માત્ર ૬૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે અને સ્ટાફ અને આવશ્યક પુરવઠાની તીવ્ર અછતને કારણે ૩૪ તાળાબંધ છે, અધિકારીએ ઉમેર્યું હતું. સ્થાનિક આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે તેમણે સરકારને ફર્નિચર, દવાઓ, વીજળી અને સ્ટાફિંગ માટે વારંવાર ભંડોળની વિનંતી કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં પેટા-કેન્દ્રો માટે પરિસ્થિતિ અલગ નથી.
બાંધકામ માટે મંજૂર કરાયેલા ૩૦૮ પેટા-કેન્દ્રોમાંથી, ફક્ત ૧૨૯ કાર્યરત થયા છે, અને બાકીના ૧૭૯ ઇમારતો બિનઉપયોગી પડી છે, અધિકારીએ નોંધ્યું. તેમણે જણાવ્યું હતું કે વિભાગ રાજ્યભરમાંથી માનવ સંસધાન, વીજળી અને સાધનો માટે વિનંતીઓથી ભરાઈ ગયો છે. રાજ્યના જાહેર આરોગ્ય પ્રધાન પ્રકાશ અબિતકરે કહ્યું હતું કે પહેલાં ફર્નિચરની ખરીદી અને સ્ટાફની નિમણૂક ફક્ત બાંધકામ 75 ટકા પૂર્ણ થયા પછી તૈયારીઓ શરુ કરવાનું નક્કી કર્યું છે. એક ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીએ વિભાગના વિશાળ માળખાગત નેટવર્કને પડકાર તરીકે ગણાવ્યું.
જાહેર આરોગ્ય વિભાગ પીએચસી, પેટા-કેન્દ્રો, સિવિલ અને ગ્રામીણ હોસ્પિટલોની એક વ્યાપક વ્યવસ્થા ચલાવે છે. આટલી વ્યાપક પહોંચ સાથે, કોઈ પણ એક સુવિધા પર સંસાધનો કેન્દ્રિત કરવાનું શક્ય નથી, પરિણામે પ્રોજેક્ટ્સ પૂર્ણ થવામાં વધુ સમય લાગે છે, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઈ)
આપણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાર અંગ પ્રત્યારોપણ સંકલન કેન્દ્ર બનાવવામાં આવશે