સુપ્રીમ કોર્ટે મંત્રી વિજય શાહની માફી નામંજૂર કરી, તપાસ માટે એસઆઈટીની રચના કરી

નવી દિલ્હી : ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે કેબિનેટ મંત્રી વિજય શાહ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે મંત્રી દ્વારા માંગવામાં આવેલી માફી સ્વીકારવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું, “તમે જાહેર જીવનના વ્યક્તિ છો. એક અનુભવી રાજકારણી છો. બોલતી વખતે તમારે તમારા શબ્દો વિશે વિચારવું જોઈએ. આપણે અહીં તમારો વીડિયો પ્રદર્શિત કરવો જોઈએ. સશસ્ત્ર દળો માટે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આપણે ખૂબ જ જવાબદાર બનવાની જરૂર છે. સોફિયા કુરેશીએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર વિશે મીડિયાને માહિતી આપી હતી.
ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની એસઆઈટીની રચના કરી
તેમજ સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની બહારની એક મહિલા અધિકારી સહિત ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની એસઆઈટીની રચના કરી છે. જે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા ભારતીય સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરેશી વિશે કરવામાં આવેલી ટિપ્પણીની તપાસ કરશે.
આપણ વાંચો: મમતા બેનર્જીની ટીએમસીની સ્પષ્ટતા, યુસુફ પઠાણ સહિત કોઇપણ સાંસદ પ્રતિનિધિમંડળમાં સામેલ નહિ થાય
મંત્રી શાહે બે વાર માફી માંગી
જ્યારે કર્નલ સોફિયા કુરેશી પર આપેલા નિવેદન વિવાદ વકર્યો ત્યારે મંત્રી વિજય શાહે જાહેરમાં બે વાર માફી માંગી હતી. મંત્રીએ કહ્યું કે જો તેમના નિવેદનથી કોઈની લાગણીઓ દુભાય છે. તો તેઓ દિલથી માફી માંગે છે. સોફિયા કુરેશીએ દેશ પ્રત્યેની પોતાની ફરજ બજાવી છે અને તેમનું યોગદાન જાતિ, ધર્મ કે સમુદાયથી પર છે.
વ્યથિત મનની સ્થિતિમાં કેટલાક શબ્દો ખોટા નીકળ્યા
વિજય શાહે કહ્યું કે મારા નિવેદનનો હેતુ સોફિયાના સમાજમાં યોગદાનને સકારાત્મક રીતે રજૂ કરવાનો હતો. પરંતુ વ્યથિત મનની સ્થિતિમાં કેટલાક શબ્દો ખોટા નીકળી ગયા. જેના કારણે દુઃખી અને શરમ અનુભવું છે. મંત્રીએ બે વાર માફી માંગ્યા પછી પણ મામલો શાંત નથી પડ્યો.