દાહોદ

ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ

દાહોદ : ગુજરાતના દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે ફરિયાદ બાદ ધરપકડની શરૂઆત કરી છે. જેમાં બે દિવસ પૂર્વે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી હતી. તેની બાદ આ કૌભાંડમાં સંડોવાયેલા મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આ કૌભાંડમાં એપીઓ દિલીપ ચૌહાણ અને ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવાની ધરપકડ કરી છે.

દાહોદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

આ ગેરરીતિની વિગત અનુસાર દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ ધાનપુર તાલુકામાં કામ પૂરા થયા હોવાના સર્ટિફિકેટ મેળવી સરકારે પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આ સમગ્ર કેસમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે.

દાહોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી

દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી છે. જેમાં બળવંત અને કિરણ ખાબડ ધરપકડથી બચવા પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે પોલીસ ધરપકડથી બચવા દાહોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ પોલીસે હવે બંને પુત્રની ધરપકડ કરી લીધી છે. વર્ષ 2021થી વર્ષ 2025માં મનરેગા હેઠળ દેખાડવા પૂરતું કામ કરાયું હતું અને 71 કરોડના કામોમાં ગેરરીતિ પ્રકાશમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આપણ વાંચો:   જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ આઈડી હેક, એક આરોપીની ધરપકડ

ફરિયાદમાં મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ

આ કૌભાંડમાં રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોની સંડોવણી પ્રકાશમાં આવી છે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલે 35 એજન્સીઓ સામે નોંધાવેલી ફરિયાદમાં મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button