પટેલ પાવર: ભારતને વર્લ્ડ કપ જિતાડનાર બૅટ્સમૅને હવે અમેરિકાને વિજય અપાવ્યો!

લૉડરહિલ (અમેરિકા): ભૂતકાળમાં અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવનારામાંથી કેટલાક ખેલાડીઓ ભારતની આંતરરાષ્ટ્રીય ટીમ સુધી પહોંચી શક્યા છે, પરંતુ ઘણા પ્લેયરોને એ તક ન મળતા તેઓ વિદેશમાં સ્થાયી થઈને ત્યાંની નેશનલ ટીમ વતી રમતા હોય છે અને સ્મિત પટેલ એમાંનો એક છે.
મૂળ અમદાવાદના 32 વર્ષની ઉંમરના સ્મિત કમલેશભાઈ પટેલે બે દિવસ પહેલાં અહીં અમેરિકા (USA)ને કૅનેડા (Canada) સામે જવલંત વિજય અપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2012માં ઉન્મુક્ત ચંદના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ જે 2012માં અન્ડર-19 વર્લ્ડ કપ જીતી હતી એની ફાઇનલમાં સ્મિત પટેલે ભારતને વિજય અપાવ્યો હતો. 13 વર્ષ પહેલાંની ઑસ્ટ્રેલિયા સામેની એ ફાઇનલમાં ભારતે જીતવા 226 રન કરવાના હતા, પરંતુ 97 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે સ્મિત પટેલ બૅટિંગમાં આવ્યો હતો અને ફટકાબાજીથી અણનમ 62 રન બનાવીને ભારતને યાદગાર જીત અપાવી હતી.
શનિવારની મૅચ આઈસીસી (ICC) મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-ટુ સ્પર્ધાની હતી જેમાં અમેરિકાએ સ્મિત પટેલ (SMIT PATEL)ના ચાર સિક્સર અને બાર ફોરની મદદથી બનેલા 152 રન તેમ જ મિલિન્દ કુમારના પાંચ સિક્સર, બાર ફોરની મદદથી બનેલા અણનમ 115 રન તેમ જ કેપ્ટન મોનાંક પટેલના છ ફોર સાથે બનેલા 47 રનની મદદથી 50 ઓવરમાં ત્રણ વિકેટે 361 રન કર્યા હતા. કૅનેડાની ટીમ 192 રન બનાવી શકી હતી અને અમેરિકાનો 169 રનથી વિજય થયો હતો.
અહીં યાદ અપાવાની કે સ્મિત પટેલ ભારતથી અમેરિકામાં સ્થાયી થયો એ પહેલાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડા, ગોવા, ગુજરાત અને ત્રિપુરા વતી રમ્યો હતો અને 11 સેન્ચુરીની મદદથી કુલ 3,278 રન કર્યા હતા.
અમેરિકાની વર્તમાન ટીમમાં સામેલ મિલિન્દ કુમાર, સૌરભ નેત્રાવલકર અને હરમીત સિંહ પણ ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા બાદ અમેરિકામાં સ્થાયી થયા છે.
આપણ વાંચો : ટ્રિપલ સેન્ચુરિયન કરુણ નાયરને ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવાનો મોકો, જાણો કેવી રીતે…