ઓનલાઈન ગેમિંગ કંપનીઓને અત્યાર સુધીમાં ૧ લાખ કરોડની જીએસટીની નોટિસ
મુંબઈ: મોદી સરકારે દેશની ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ લાદ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓને એક લાખ કરોડ રૂપિયાની કારણ દર્શક નોટિસ જારી કરવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે ઑગસ્ટમાં નિયમોની સ્પષ્ટતા કરી હતી, જે મુજબ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલા બેટ્સના સમગ્ર મૂલ્ય પર ૨૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) વસૂલવામાં આવશે.
જીએસટી સત્તાવાળાઓએ અત્યાર સુધીમાં ટૅક્સ ચોરીના કેસમાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ. એક લાખ કરોડની કારણ દર્શક નોટિસ જારી કરી છે. સરકારે જીએસટી કાયદામાં સુધારો કરીને વિદેશી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે એક ઑક્ટોબરથી ભારતમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. કેટલાક ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ જેમ કે ડ્રીમ ૧૧ અને ડેલ્ટા કોર્પ જેવા કેસિનો ઓપરેટરોને ટૅક્સની સંપૂર્ણ ચુકવણી ન કરવા બદલ કારણ દર્શક નોટિસો મળી છે. ગેમિંગ પ્લેટફોર્મ ગેમ્સક્રાફ્ટને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રૂ. ૨૧,૦૦૦ કરોડની કથિત જીએસટી ચોરી બદલ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હતી. કર્ણાટક હાઈ કોર્ટે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જોકે, કેન્દ્ર સરકારે આ નિર્ણય સામે જુલાઈમાં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી છે.
જીએસટી કાઉન્સિલે જુલાઈ અને ઑગસ્ટમાં તેની મીટિંગમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગને કરપાત્ર એક્શન ક્લેમ તરીકે સામેલ કરવા કાયદામાં સુધારાને મંજૂરી આપી હતી. આ કાયદા હેઠળ, સમગ્ર રકમ પર ૨૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલવામાં આવશે.