ધર્મતેજ

આચમન : મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આદર્શ પુત્ર-આદર્શ પતિ ને આદર્શ રાજવી…

-અનવર વલિયાણી

પોતાના અવતાર કાર્ય દ્વારા સમાજમાં આદર્શો સ્થાપ્યા એવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભારત વર્ષના હૃદય સિંહાસને આજે પણ વિરાજમાન છે.

ભારતની પુનિત ધરતી પર વિવિધ અવતારો પ્રગટ થતા રહ્યા છે તેમાં કહેવાયું છે કે
ત્રેતાયાં રઘુનન્દન:

ત્રેતામાં રઘુકુળ શિરોમણિ શ્રીરામચંદ્રનો પ્રાદુર્ભાવ થયો!

  • પ્રત્યેક ભારતીયો માટે
  • શ્રીરામ ‘મર્યાદા પુરુષોત્તમ’ છે.
  • આદર્શ પુત્ર
  • આદર્શ પતિ અને
  • આદર્શ રાજવીનો ત્રિવેણી સંગમ એમનાં ચરિત્રોમાં જણાય છે.
  • એક વચન
  • એક બાણ અને
  • એક પત્ની એ શ્રીરામચંદ્રજીની વિશેષતા હતી.

અયોધ્યાના રાજવંશ ઈક્ષ્વાકુ કુળમાં રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ઘરે ચૈત્ર સુદ નવમીના દિવસે મધ્યાહને 12 વાગે તેઓ પ્રગટ થયા. એ સમયે પુલત્સ્ય ઋષિના પૌત્ર રાક્ષસરાજ રાવણે પૃથ્વી પર હાહાકાર મચાવ્યો હતો. વિદ્વાન અને બ્રાહ્મણ હોવા છતાં તે ધર્મનો શત્રુ હોવાથી રાક્ષસ તરીકે ઓળખાતો હતો. ઋષિઓ ઉપર અને તેમના યજ્ઞો વગેરે ધર્મસ્થાનો પર આતંક મચાવવો એ તેનું મુખ્ય કાર્ય હતું.

આવા અધર્મના ભયાનક ઉપદ્રવ સામે ધર્મની શક્તિ જ સફળ થાય છે. આથી જ ભગવાન વિષ્ણુ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ તરીકે અયોધ્યાના રાજકુળમાં પ્રગટ થયા હતા. હજુ તો માંડ સોળ વર્ષના હતા, ત્યાં જ તેમના અંતરમાં અધ્યાત્મ ભાવનાઓ જાગી ઊઠી અને ધન – રાજય, માતાપિતા તથા સંસાર છોડી દેવાનું તેમણે નક્કી કર્યું.

આ ધન કે રાજય, માતાપિતા કે આ લોકની ઈચ્છાઓનું શું ફળ છે? તે ત્યાગીને સંસાર છોડવો એજ શ્રેષ્ઠ વિચાર છે.’ આ પછી ગુરુ વસિષ્ઠજી સાથે જે જ્ઞાનસંવાદ થયો તે ‘યોગ વસિષ્ઠ રામાયણ’ તરીકે વિખ્યાત છે.

શ્રી રામચંદ્રજીનું ચરિત્ર સર્વથા અનુકરણીય છે. એક તરફ દશરથજીએ તેમને માટે કરેલા રાજ્યાભિષેકનો નિર્ણય અને બીજી તરફ કૈકેયી દ્વારા તેમના માટે માગેલા 14 વર્ષના વનવાસનું વરદાન. આવી અત્યંત સન્માનની અને

તરત જ ભયંકર અપમાનની સ્થિતિ શ્રી રામચંદ્રજીના જીવનમાં અનોખી પળ હતી. જ્યારે વનવાસમાં જવાના સમાચાર મળ્યા ત્યારે તેમના મુખ ઉપર એજ શાંત, સૌમ્ય, મંદ સ્મિતસભર રેખાઓ હતી, જે રેખાઓ રાજ્યાભિષેકના સમાચાર વખતે હતી.
પિતાની આજ્ઞા માનીને શ્રીરામચંદ્રે રાજ્ય કે સત્તા માટે લગાર પણ આસક્તિ દર્શાવી નહીં અને તેમણે લક્ષ્મણને કહેલું: ‘હે લક્ષ્મણ, આ સંસારમાં ધર્મ સર્વશ્રેષ્ઠ છે, ધર્મ જ સત્યનું અધિષ્ઠાન છે અને પિતાની આજ્ઞા એજ ધર્મને આશ્રિત હોવાથી ઉત્તમ ઉદાહરણ એમણે પોતાના વર્તનથી પૂરું પાડ્યું હતું.

કઠોર તપશ્ર્ચર્યા, રાક્ષસો સાથેનાં ભીષણ યુદ્ધો, ઋષિવર્યોના તીર્થો અને આશ્રમોમાં સત્સંગ અને સીતાહરણ પછીના ભીષણ સંહારમાં રાવણનો નાશ, એ એમનાં યુગવર્તી કાર્યોમાંનું શ્રેષ્ઠ કાર્ય હતું, પરંતુ તેમાં સદ્ગુણોની સૌરભ અને શ્રીરામચંદ્રની આંતર ભાવનાનું પ્રતિબિંબ તો ત્યારે જોવા મળે છે કે જ્યારે શ્રીરામ લંકાથી પુન: ‘પુષ્પક’ વિમાનમાં અયોધ્યા પધારે છે અને સૌપ્રથમ આત્મગ્લાનિથી પીડાતાં રાજમાતા કૈકેયીને મળે છે.

શ્રીરામ કૈકેયીને પગે લાગીને કહે છે: ‘હે માતા, આપનાં ચરણકમળની જ કૃપા છે કે મને આ વનવાસથી કેટલું જાણવા મળ્યું. મારા પિતાનો સ્નેહ, ભરતે મારા માટે કરેલો રાજગાદીનો ત્યાગ, હનુમાનનું બળ, સુગ્રીવની મિત્રતા, લક્ષ્મણની અમાપ ભક્તિ, સીતાજીની પવિત્ર પતિવ્રતા ભક્તિ, મારા બાહુબળનું ઐશ્ર્વર્ય, દ્વેષી લોકોનો વેરભાવ – આ બધું જો તેં કૃપા કરી ન હોત, તો હું કેવી રીતે જાણી શકત?’

કષ્ટ આપવામાં જે નિમિત્ત હતાં, એવા માતા કૈકેયીની સંવેદનાને શ્રીરામે કેટલી હળવાશથી સ્પર્શ કર્યો છે.

‘રામાયણ’ના પ્રત્યેક પાત્રમાં આવું ગુણમાધુર્ય છે, એક પ્રકારની દિવ્ય શક્તિનું તેજ છે.

સીતાજીને વિના વાંકે અયોધ્યા છોડવાનો વારો આવ્યો અને શ્રીરામે ધોબીના વચને તેમના વાલ્મીકિના આશ્રમમાં ત્યાગ કર્યો ત્યારે પણ સીતાજી હૈયાફાટ રુદન કરતાં કહે છે: ‘હે રામ, આપ જ મારા જન્મોજન્મના ભરથાર થજો. પણ તમારો વિયોગ કદી ન થજો.’

ચૌદ-ચૌદ વર્ષ સીતાજીની સાથે વિચરણ કરવા છતાં તેમના મુખનું દર્શન ન કરનાર બ્રહ્મચારી – યતિવર લક્ષ્મણજીનું બ્રહ્મચર્ય આપણા કાળજાં વીંધી નાખે તેવું અનન્ય છે.

હનુમાનજીની દાસત્વ ભક્તિનાં તેજ, વિભીષણની અસુર કુળમાં પ્રગટવા છતાં ભ્રાતૃભક્તિ છોડીને રામભક્તિની લગન, ગુહ રાજાની નિર્દોષ ભક્તિ અને શબરીની પ્રતીક્ષા. રામાયણમાં બધું જ આદર્શ છે.

આજે પણ શ્રીરામે પ્રવર્તાયેલું ‘રામ રાજ્ય’ આપણો આદર્શ છે. સુશાસન, સુવ્યવસ્થા, ધર્મ, શાંતિ અને સદાચાર જેવા સદ્ગુણોની પૂર્ણતાનો દ્યાતક આ શબ્દ એવો છે, જેની તુલના બીજા કોઈ સાથે કરી શકાય તેમ નથી. એ શાસનથી આ દેશ ધન્ય બન્યો હતો, ધન્ય બન્યો છે અને સદા ધન્ય બની રહેશે.

આપણ વાંચો : આચમનઃ રામ – કૃષ્ણ: જીવન ને ચરિત્ર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button