ડ્રગ માફિયા લલિત પાટીલના ડ્રાઈવરે જંગલમાં સંતાડેલું ૧૨ કિલો એમડી પોલીસે શોધી કાઢ્યું
નાશિકની ગિરણા નદીમાં વૉટર કૅમેરા, સ્કૂબા ડાઈવર્સની મદદથી સર્ચ ઑપરેશન
મુંબઈ: ડ્રગ માફિયા લલિત પાટીલની પૂછપરછ પછી મુંબઈની સાકીનાકા પોલીસે વૉટર કૅમેરા અને સ્કૂબા ડાઈવર્સની મદદથી નાશિકની ગિરણા નદીમાં ફેંકવામાં આવેલા ડ્રગ્સ માટે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. પોલીસને નદીમાંથી કંઈ હાથ લાગ્યું નહોતું, પરંતુ લલિત પાટીલના ડ્રાઈવર સચિન વાઘે દેવળા તાલુકાના જંગલમાં સંતાડેલું ૧૨ કિલો મેફેડ્રોન (એમડી) મળી આવ્યું હતું.
સાકીનાકા પોલીસે નાશિકના શિંદે ગામમાંથી ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફૅક્ટરી પકડી પાડ્યા પછી આ કેસમાં લલિત પાટીલની ધરપકડ કરવામાં આવી હતી. પાટીલ ૨૭ ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછમાં પાટીલે આપેલી માહિતી પછી સાકીનાકા પોલીસ નાશિકના દેવળા તાલુકા પહોંચી હતી.
ડ્રગ્સ કેસની તપાસમાં સાકીનાકા પોલીસ નાશિકની ફૅક્ટરી સુધી પહોંચતાં લલિતના કાર ડ્રાઈવર સચિન વાઘે અંદાજે ૫૦ કિલો ડ્રગ દેવળા તાલુકાની ગિરણા નદીમાં ફેંક્યું હતું. ડ્રગ્સ ભરેલી ગૂણીઓ નદીમાં ફેંકવામાં આવી હોવાનું લલિતે કહેતાં આ માહિતી પોલીસે અંધેરી કોર્ટમાં આપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અધિકારીઓની ત્રણ ટીમ દેવળા તાલુકા પહોંચી હતી. બે સ્કૂબા ડાઈવર્સ અને વૉટર કૅમેરાની મદદથી દિવસભર નદીમાં શોધ ચલાવાઈ હતી. પોલીસને શંકા છે કે ડ્રગ્સ નદીના પાણીમાં ઓગળી ગયું હોઈ શકે. ડ્રગ્સ બાબતે વાઘની પૂછપરછ કરવામાં આવતાં તેણે દેવળા તાલુકાના જંગલમાં ખાડો ખોદીને ડ્રગ્સ સંતાડ્યું હોવાની કબૂલાત કરી હતી, એવો દાવો પોલીસે કર્યો હતો. પોલીસની ટીમે વાઘે બતાવેલા સ્થળેથી લગભગ ૧૨ કિલો એમડી હસ્તગત કર્યું હતું. દેવળા તાલુકામાં રહેતા વાઘનું નામ નાશિક પોલીસની તપાસમાં પણ સામે આવ્યું હતું. નાશિક પોલીસ પણ વાઘની શોધ ચલાવી રહી હતી, પણ તે પહેલાં સાકીનાકા પોલીસે વાઘને પકડી પાડ્યો હતો.
મોખાડામાં મેફેડ્રોનની ફેક્ટરી
મીરા રોડની લોજનો ઉપયોગ ડ્રગ્સનું વિતરણ કરવા માટે કરાતો હતો
મુંબઈ: પાલઘર જિલ્લાના મોખાડા ખાતે ફાર્મહાઉસમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરનારી મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં જાણવા મળ્યું હતું કે મીરા રોડની લોજનો ઉપયોગ ડ્રગ્સનું વિતરણ કરવા માટે કરવામાં આવતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આ ગેન્ગનો માસ્ટરમાઇન્ડ સમીર ચંદ્રશેખર પિંજારા છેલ્લાં દોઢ વર્ષથી મોખાડામાં પોતાના ફાર્મહાઉસમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો. ડ્રગ્સ બાદમાં મીરા રોડ ખાતે લોજમાં ભાડે રાખવામાં આવેલી રૂમમાં લઇ જવાતું હતું, જે નાનાં પેકેટોમાં ભરવામાં આવતું હતું. આ પેકેટો બાદમાં પેડલર્સને અપાતા હતા, જેઓ તેમના ગ્રાહકોને પહોંચાડતા હતા. પિંજારા ફાર્મહાઉસમાં એકલો રહેતો અને એકલો જ ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો. તેનો નિકટવર્તી
સાગરીત ગૌતમ ઘોષ તેની અને પેડલર્સ વચ્ચેની એકમાત્ર કડી હતો. પિંજારાએ અંતરિયાળ સ્થળે ફેક્ટરી ઊભી કરી હતી, જે વિશે માત્ર ઘોષ જાણતો હતો. પોલીસે આ સ્થળે રેઇડ પાડીને રૂ. ૩૭ કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ પ્રકરણે સાત જણની ધરપકડ કરાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ (કાશીમીરા)ના અધિકારીએ જણાવ્યું હતું કે ઘોષ દહિસરનો રહેવાસી છે. તે પિંજારાના સંપર્કમાં હતો. પિંજારા ડ્રગ્સ તૈયાર કરીને ઘોષને આપતો, ઘોષ બાદમાં ડ્રગ્સ લોજમાં લઇ જતો, જ્યાં પેડલર્સ તેને નાનાં પેકેટોમાં ભરી ગ્રાહકોને વેચતા હતા.
મીરા રોડની લોજ વિનયાસા રેસિડેન્સીમાં ૧૦ દિવસ અગાઉ જ આરોપીઓએ રૂમ ભાડા પર લીધી હતી. અહીં દરોડા પડાયા ત્યારે ચાર જણ ડ્રગ્સનાં નાનાં પેકેટ તૈયાર કરતા મળી આવ્યા હતા. આ પૂર્વે આરોપીઓ ઘોષના ઘરે અને અન્ય લોજમાં પેકેટ બનાવતા હતા.
પિંજારા રહેતો હતો એ ફાર્મહાઉસ હાઇવેથી દૂર છે. વળી, પિંજારા વધુ અવરજવર કરતો ન હોવાથી આસપાસના લોકોને શંકા જતી નહોતી. ડ્રગ્સ બનાવતી વખતે દુર્ગંધ પણ આવતી નહોતી. પિંજારા ડ્રગ્સ બનાવવાની સામગ્રી ઑનલાઇન મગાવતો હતો હતો. કાચા માલની ઉપલબ્ધતાને આધારે ત્રણથી ચાર દિવસમાં તે એક કિલો ડ્રગ્સ બનાવતો હતો. ૧૮ ઑક્ટોબરે પોલીસે લોજમાંથી વિશાલ ગોડસે, દીપક દુબે, શાહબાઝ શેખ અને સની સાલેકરની ધરપકડ કરીને ૨૫૧ ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. સાલેકર પાસેથી શસ્ત્રો પણ જપ્ત કરાયાં હતાં.