આપણે શાસ્ત્રોક્તવિધિ અનુસાર વાસ્તુ, પૂજાપાઠ કોઈ વિદ્વાન આચાર્ય પાસે કરાવીને જ ગૃહપ્રવેશ કરીશું…

શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
ભગવાન શિવ નંદભદ્રને દર્શન આપી કૈલાસ પરત ફરતાં માતા પાર્વતી ભગવાન શિવને કહે છે, ‘પ્રભુ, ઘણા સમયથી પૃથ્વીલોક પર ભક્તોની પરિસ્થિતિથી અજાણ છીએ, તમે સાથ આપતા હોવ તો જઈને જોઈએ તેઓ શું કરી રહ્યા છે.’ ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વીલોક પર ભ્રમણ કરતા હોય છે એ જ સમયે માતા પાર્વતીનું ધ્યાન એક ભૂખ્યા ભક્ત ભર્તૃહરિને સ્મશાનમાં ચિતાના અંગારા પર રોટલો શેકતા જોઇ તેમનું હૃદય દ્રવી ઊઠે છે. માતા પાર્વતી કહે છે, ‘સ્વામી મને લાગે છે કે આપનું કઠોર હૃદય આપના ભાવિક ભક્તોની દુર્દશા જોઈને પણ પીગળતું નથી. ઓછામાં ઓછું ભૂખ્યાજનો માટે ખાવાની વ્યવસ્થા તો તમારે કરવી જોઈતી હતી, પેલો બિચારો ભર્તૃહરિ પિંડ માટે આપવામાં આવેલ લોટના રોટલા સ્મશાનમાં શેકી રહ્યો છે.’ પોતાના ભક્તોની તાસિરને જાણતા ભગવાન શિવ કહે છે, ‘દેવી તમને તો ખબર જ છે કે, ભક્તો માટે મારા દ્વાર હંમેશાં ખુલ્લાં જ છે, પરંતુ કોઈ આવે તો ને? કોઈ વસ્તુ આપવામાં આવે તો પણ ક્યાં લે છે? દુ:ખ સહન કરી લેશે પણ લાંબો હાથ નહિ કરે. જો વિશ્ર્વાસ ન બેસતો હોય તો જાતે જ જઇને પરીક્ષા લઈ જુઓ, પણ દેવી પરીક્ષા વખતે જરા સાવધાની રાખજોે.’ ભગવાન શિવનો આદેશ મળતાં જ માતા પાર્વતી ભિખારણનું રૂપ ધારણ કરી ભર્તૃહરિ પાસે પહોંચી કાકલૂદીભરીવાણીમાં ભોજનની માગણી કરે છે. ભર્તૃહરિ એક રોટલો માતા પાર્વતીને આપતાં, માતા પાર્વતી કહે છે કે, ‘બેટા, આ એક રોટલાથી શું થાય? મારા કુટુંબમાં અમે ત્રણ જણ છીએ.’ પોતાની પાસેના રોટલા બીજા ભૂખ્યા માણસોના પેટની આગ બૂઝાવતા હોય તો તે ઉત્તમ જ છે. એવું વિચારી ભર્તૃહરિએ બાકીના બચેલા બે રોટલા પણ માતા પાર્વતીને આપી દીધા અને તેણે પોતે કમંડળમાંથી થોડું પાણી પી લીધું અને ચાલવાની તૈયારી કરી. પ્રસન્ન થયેલા માતા પાર્વતી વરદાન માગવાનું કહે છે. ભગવાન શિવ અને પ્રસન્ન માતા પાર્વતી પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયેલા જોઈ ભર્તૃહરિ મસ્તક નમાવી પ્રણામ કરે છે અને કહે છે: ‘હે જગતજનની માતા પાર્વતી, આપ જો પ્રસન્ન થયાં હો તો એવું વરદાન આપો કે મને જે કાંઇ મળે તે દીન દુ:ખિયાઓમાં વહેંચી શકું.’ માતા પાર્વતી ‘તથાસ્તુ’ કહી વરદાન આપે છે. અને ભગવાન શિવ સાથે આગળ વધતાં માતા પાર્વતીને કહે છે ‘હે દેવી! મારા ભક્તોને કંઈ જ મળતું નથી, માટે દરિદ્ર હોય છે એમ ન માનશો, ભક્તિની સાથોસાથ ઉદારતા તેમને દાન આપવા પ્રેરે છે. માનવ વ્યક્તિત્વને આકર્ષક બનાવવાવાળી કોઈ પણ વસ્તુ હોય તો તે ‘ઉદારતા’ છે. ઉદારતા એ પ્રેમનું રૂપ છે. પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થ ભાવના છુપાઈ રહેલ હોય છે. ઉદાર વ્યક્તિ અન્યનું દુ:ખ જોઈ પોતે દુ:ખી થાય છે. ઉદારતા માનવમાત્રનું કર્તવ્ય છે.
ભર્તૃહરિને વરદાન આપી માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પહોંચે છે. શિવગણો ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્વાગત કરે છે. માતા પાર્વતી શિવગણો સાથે કૈલાસને સુશોભન કરવાના કામમાં વ્યસ્ત થાય છે અને બીજી તરફ ભગવાન શિવ તપમાં લીન થઈ જાય છે. કૈલાસના આકાશ માર્ગે ધનપતિ કુબેર જઇ રહ્યા હોય છે અને તેઓ જુએ છે કે, નંદિગણ સાથે માતા પાર્વતી કૈલાસની સજાવટમાં વ્યસ્ત છે. તેઓ તુરંત માતા પાર્વતીને કહે છે, ‘માતા બ્રહ્મલોક, વૈકુંઠલોક અને સ્વર્ગલોકની તુલનાએ કૈલાસની સાદગી નિહાળીને મારું મન કકળી ઊઠે છે, શિવલોક સંપત્તિવિહીન હોય તો તે કેમ ચાલે? હું એવું ઇચ્છું છું કે, માતા આપ અને ભગવાન શિવ પણ સુવર્ણ મહેલમાં નિવાસ કરે. જો તમે આજ્ઞા આપો તો હું કૈલાસ ખાતે સુવર્ણ મહેલ બનાવું .’
સ્ત્રીજાતિને સુવર્ણ અતિપ્રિય હોય છે અને તેમાં વળી આખોય મહેલ સોનાનો. માતા પાર્વતીએ કહ્યું, ‘કુબેરજી! મને સત્વરે સોનાનો મહેલ બનાવી આપો.’
કુબેરે વિશ્ર્વકર્માને આજ્ઞા આપી કે કૈલાસ ખાતે સુવર્ણ મહેલ બનાવવો. ભગવાન શ્રી વિશ્ર્વકર્માની ઉત્ત્પત્તિ ભગવાન શ્રી વિષ્ણુથી થયેલી છે. તેમને માટે સૃષ્ટિ. સ્થિતિ અને સંહારનાં કાર્યો સહજ છે. તેઓ કલાકારીગરી પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવે છે. આપણી સમસ્ત ભારતીય સંસ્કૃતિના મૂળ ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પૂજનીય અને વંદનીય છે. ભગવાન વિશ્ર્વકર્મા દેવોના શિલ્પી ત્વષ્ટા પણ છે. સૃષ્ટિની કોઈપણ કલ્પના આ ભગવાન વિશ્ર્વકર્મા વગર અશક્ય છે. ભગવાન કુબેરની આજ્ઞાથી મણિ, માણેક અને મોતી જડિત મેઘધનુષ્યની સપ્તરંગી આભાવાળો સુવર્ણમહેલ તેમણે બનાવી આપ્યો. નવો સુવર્ણમહેલ જોઈ ભગવાન શિવ માતા પાર્વતીના મનમાં આવેલી લાલચને પારખી ગયા.
ભગવાન શિવ: ‘અરે દેવી! આવા મૂલ્યવાન સુવર્ણમહેલની આપણને શી જરૂર પડી?
માતા પાર્વતી: ‘સ્વામી મહેલ તૈયાર થઈ ગયો છે, માટે આપણે હવે આ મહેલમાં જ રહીશું.’
ભગવાન શિવ: ‘દેવી, અવશ્ય આપણે આ મહેલમાં રહીશું, તે પહેલા આપણે શાસ્ત્રોક્તવિધિ અનુસાર વાસ્તુ, પૂજાપાઠ વગેરે કોઈ વિદ્વાન આચાર્ય પાસે કરાવીને જ ગૃહપ્રવેશ કરીશું.’
ભગવાન કુબેર: ‘પ્રભુ હું એક વિદ્વાન આચાર્યથી પરિચિત છું, જો આપ આજ્ઞા આપો તો તેમને બોલાવું.’
ભગવાન શિવ: ‘અવશ્ય, જરૂર તમે તુરંત બોલાવો.’
ભગવાન કુબેર ત્યાંથી વિદાય લે છે અને થોડા જ સમયમાં તેમના ભ્રાતા દશાનન રાવણ સાથે કૈલાસ આવી પહોંચે છે. દશાનન રાવણ ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો અને વેદ તથા કર્મકાંડનો જ્ઞાતા હતો, તેથી દશાનન રાવણે નવા સુવર્ણ મહેલની વાસ્તુ પૂજા કરાવી. આટલો ભવ્ય સુવર્ણ મહેલ જોઈ દશાનન રાવણને પણ લાલચ થઈ આવી કે આવો ભવ્ય મહેલ તો લંકાપતિ રાવણની લંકામાં જ શોભે.
ભગવાન શિવ: ‘દશાનન તમે નવા મહેલની વાસ્તુ પૂજા કરાવી છે તમને દક્ષિણાપેટે જે વસ્તુ જોઈતી હોય તે કહો અમે તમને અવશ્ય આપીશું.’
દશાનન રાવણ: ‘પ્રભુ તમે જો આપવા માગતા હો તો આ મહેલ સાથે માતા પાર્વતીને પણ દક્ષિણા પેટે આપી દો.
ભગવાન શિવે એક ક્ષણના વિલંબ વગર માતા પાર્વતી અને સુવર્ણ મહેલ દશાનનને સુપરત કર્યા.
માતા પાર્વતીએ મનોમન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી કહ્યું, ‘હે, ભ્રાતા આ દુષ્ટ રાવણથી મારી રક્ષા કરો.’
માતા પાર્વતીની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુ ખેડૂતનું રૂપ ધારણ કરી ત્યાં પ્રગટ થાય છે.
ભગવાન વિષ્ણુ: ‘લંકાપતિ! તમારી સાથે આ કોણ છે?’
દશાનન રાવણ: ‘તું દેવી પાર્વતીને પણ નથી ઓળખતો!’
ભગવાન વિષ્ણુ: ‘દશાનન તમે સાવ ભોળા છો, ભગવાન શિવ પોતાની પત્ની તમને શા માટે આપે? આ પાર્વતીજી નથી તેમની દાસી છે. પાર્વતીજીના શરિરમાંથી તો ગુલાબની સુગંધ આવે છે.’
દશાનન રાવણે ખાતરી કરી તેનું શરીર સુંઘી જોયું, તો નાક દુર્ગંધથી ભરાઈ ગયું. તેને લાગ્યું કે આ તો ખરેખર દાસી જ છે. રાવણ માતા પાર્વતીને અધવચ્ચેથી મૂકીને ચાલ્યો ગયો.
ભગવાન વિષ્ણુ: ‘લંકાપતિ! તમને આ લોખંડના મહેલનો શું મોહ લાગ્યો છે? ન વિશ્ર્વાસ આવતો હોય તો ખાતરી કરી જુઓ આના પર તો ફક્ત સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે’
દશાનન રાવણે પથ્થરનો ટુકડો લઈ દીવાલ સાથે ઘસતાં લોખંડ નજરે પડયું, રાવણ મહેલને છોડીને પણ ચાલ્યો ગયો.
રાવણના ગયા પછી ભગવાન વિષ્ણુ તેમના મૂળ સ્વરૂપે પ્રગટ થયા અને કહ્યું, ‘બહેન તમે કૈલાસ સિધાવો.’
માતા પાર્વતી: ‘ભ્રાતા તમે જો સહાય ન કરી હોત તો?’
એજ સમયે ભગવાન શિવ ત્યાં પધારે અને કહે છે, ‘હે દેવી બધું તમારા લોભને કારણે બન્યું છે, લોભને વશ થઈ તમે સુવર્ણમહેલ બનાવી લીધો. રાવણે લોભને વશ થઈ મહેલ અને તમને માંગી લીધા, માટે સર્વ પાપોનું મૂળ લોભ જ છે.’
ભગવાન વિષ્ણુ: ‘ચાલો આપણે આ સુવર્ણ મહેલ ફરી ધનપતિ કુબેરને સુપરત કરી દઈએ.’
માતા પાર્વતીને ભગવાન શિવની સઘળી લીલા અને ઐશ્ર્વર્યની અનુભૂતિ થઈ. તેમણે કહ્યું: ‘હે પ્રભો! મને
આજે સમજાઈ ગયું કે, શિવલોકની સાદગીમાં જ સઘળી સંપત્તિ છે. શિવલોકની અનેરી, અનોખી, અલૌકિક અને અદ્ભુત સંપત્તિની સરખામણીમાં કોઈ દેવલોકની સંપત્તિ ન આવે.’
ભગવાન શિવ અને માતા પાર્વતી પરત કૈલાસ પધાર્યા. (ક્રમશ:)